ભારતમાં કોરોના બાદ હવે મ્યુકરમાઈકોસિસના કેસમાં નોંધપાત્ર વધારો થતાં કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે ગુરુવારે રાજ્ય સરકારોને ‘બ્લેક ફંગસ’ (મ્યુકરમાઈકોસિસ)ને એપિડેમિક એક્ટ હેઠળ નોટિફાયેબલ ડિસીઝ જાહેર કરવની તાકીદ કરી છે. આરોગ્ય મંત્રાલયના જોઇન્ટ સેક્રેટરી લવ અગ્રવાલે રાજ્યોને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, તમામ સરકારી અને ખાનગી આરોગ્ય સુવિધાઓ અને મેડિકલ કોલેજોએ મ્યુકરમાઈકોસિસના સ્ક્રિનિંગ, નિદાન અને સંચાલન માટેની માર્ગદર્શિકાઓનું પાલન કરવું પડશે.
આરોગ્ય સચિવે દેશમાં મ્યુકરમોઇકોસિસના કેસની સંખ્યા અંગે વિગત આપી ન હતી, પરંતુ મહારાષ્ટ્રમાં આશરે 1,500 કેસ નોંધાયા છે. ગુજરાતમાં પણ હાલ મુખ્ય ચાર મહાનગરોની સિવિલ હોસ્પિટલમાં જ ૧૧૦૦થી વધુ દર્દીઓ છે અને દરેક જિલ્લાઓમાં કેસો નોંધાઈ રહ્યા છે હાલ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં જ ૪૭૦થી વધુ કેસ છે અને રોજની ૨૨થી૨૫ સર્જરી થઈ રહી છે.
રાજસ્થાનની અશોક ગેહલોત સરકારે બુધવારે રાજસ્થાન રોગચાળા અધિનિયમ 2020 અંતર્ગત ‘બ્લેક ફંગસ’ને એપેડેમિક જાહેર કરી હતી. રાજસ્થાન સરકારના મેડિકલ અને આરોગ્ય વિભાગ દ્વારા બુધવારે આ સંદર્ભમાં એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. તેલંગાણા સરકારે પણ મ્યુકરમાઈકોસિસને એપિડેમિક એક્ટ હેઠળ મહામારી તથા Notifiable Disease તરીકે જાહેર કરી છે.
ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાનમાં આ બિમારીના નવા કેસોની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. ઉત્તરપ્રદેશ અને બિહારમાં પણ મ્યુકરમાઈકોસિસના કેસ અને તેના કારણે દર્દીઓના મોતના સમાચાર સામે આવ્યા છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે એમ્સ પટણામાં 32 અને IGIMSમાં 21 મ્યુકરમાઈકોસિસના દર્દીઓ છે. ઉત્તરપ્રદેશના વારાણસીમાં પણ બ્લેક ફંગસનો કહેર જોવા મળી રહ્યો છે. આંકડા પર નજર કરીએ તો અહીં બ્લેક ફંગસના 33 કેસ સામે આવ્યા છે. જેમાંથી બે મહિલાનું સારવાર દરમિયાન મોત પણ થઈ ચૂક્યું છે.