મેલબોર્નમાં ભારત અને ઓસ્ટ્રેલિયાની ચોથી ટેસ્ટ મેચમાં ગુરુવારે નવોદિત ખેલાડી સેમ કોન્સ્ટાસ સાથે ખભો અથડાવવા બદલ વિરાટ કોહલીને મેચ ફીના 20 ટકા દંડ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત કોહલીના એક ડિમેટિર પોઇન્ટની પેનલ્ટી પણ કરાઈ હતી.
આ ઘટના ઓસ્ટ્રેલિયન ઇનિંગ્સની 10મી ઓવર પૂરી થયા બાદ બની હતી. આ સમયે કોહલીએ કોન્ટાસને ખભો અથડાવ્યો હતો. આ પછી બંને ખેલાડીઓ વચ્ચે બોલાચાલી થઈ હતી. ઉસ્માન ખ્વાજાએ બંનેને અલગ કર્યા હતાં. મેદાન પરના અમ્પાયરોએ પણ બંને ખેલાડીઓને સમજાવ્યા હતાં.
ICCએ એક રિલીઝમાં જણાવ્યું હતું કે કોહલીએ મેચ રેફરી એન્ડી પાયક્રોફ્ટ દ્વારા સૂચિત પેનલ્ટીને સ્વીકાર્યા પછી ઔપચારિક સુનાવણીની જરૂર નહોતી. મેદાન પરના અમ્પાયર જોએલ વિલ્સન અને માઈકલ ગફ, થર્ડ અમ્પાયર શર્ફુદ્દૌલા ઈબ્ને શાહિદ અને ચોથા અમ્પાયર શોન ક્રેગે આરોપ મૂક્યો હતો.આ ઘટના પછી ઘણા ભૂતપૂર્વ ખેલાડીઓએ ધારણા વ્યક્ત કરી હતી કે કોહલીને સસ્પેન્શનનો સામનો કરવો પડી શકે છે પરંતુ એવું બન્યું નથી કારણ કે તેના પર લેવલ 1 ના ગુનાનો આરોપ મૂકવામાં આવ્યો છે.