મહાકુંભ મેળામાં 26 ફેબ્રુઆરીએ મહાશિવરાત્રિના દિવસે છેલ્લા પવિત્ર સ્નાનની સાથે આ મહામેળાનું સમાપન થયું હતું. છેલ્લe સ્નાન પહેલા લાખ્ખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ એકઠા થયા હતાં. 12 વર્ષ પછી આ મહા કુંભ મેળો 13 જાન્યુઆરીના રોજ શરૂ થયો હતો અને 45 દિવસમાં આશરે 66 કરોડથી વધુ ભક્તોએ ત્રિવેણી સંગમમાં ડૂબકી મારી હોવાનો અંદાજ છે. આ સંખ્યા અમેરિકાની કુલ વસ્તી કરતાં બમણી છે.
દેવોના દેવ મહાદેવના પૂજન પર્વની ઉજવણી સાથે યોગાનુયોગ મહાકુંભનું સમાપન થયું હતું. સમગ્ર સૃષ્ટિના આદિ અને અંત એવા અનંત-સનાતન મહાદેવની ઉપાસના સાથે સાધુ-સંતો અને લાખો શ્રદ્ધાળુઓ કુંભ મેળામાં શાહી સ્નાન કર્યું હતું. શિવરાત્રિ નિમિત્તે સંગમ તીર્થ ખાતેના તમામ ઘાટને આખી રાત સ્નાન માટે ખુલ્લા રાખવામાં આવ્યાં હતા. શ્રદ્ધાળુઓના આ મહાસાગરે અગાઉ યોજાયેલા તમામ કુંભ મેળાના રેકોર્ડ તોડી નાખ્યાં હતાં.
જ્યોતિષ શાસ્ત્ર મુજબ શિવરાત્રિના દિવસે કરેલા સ્નાનથી અમૃત સ્નાનનું ફળ મળે છે. આ વર્ષે શિવરાત્રિ પર શિવ યોગ, સિદ્ધ યોગ, બુધાદિત્ય યોગ, ત્રિગ્રહી જેવા મહાયોગ બની રહ્યા છે. મીન રાશિમાં બુધ શનિ અને સૂર્ય ગ્રહની યુતિનો શુભ યોગ પણ છે. શિવરાત્રિની સવારથી દરેક શિવાલય અને ઘરમંદિરમાં શિવજીના પૂજનની શરૂઆત થઈ હતી.
મહાકુંભ મેળાના પગલે પ્રયાગરાજમાં રોજના સરેરાશ દોઢ કરોડથી વધુ લોકો પહોંચ્યા હતાં. પ્રયાગરાજની સાથે કાશી અને અયોધ્યામાં પણ શ્રદ્ધાળુઓનો મહાસાગર છલકાયો હતો, કારણ કે પ્રયાગરાજ આવનારા મોટાભાગના શ્રદ્ધાળુઓ આ બંને શહેરોમાં જ જતાં હતા.
ઉત્તરપ્રદેશ વિધાનસભામાં મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે જણાવ્યું હતું કે પ્રયાગરાજ ઉપરાંત કાશી, મથુરા-વૃંદાવન, અયોધ્યા જેવા ધાર્મિક સ્થળો પર કરોડો શ્રદ્ધાળુઓ પહોંચ્યા હતાં. મહાકુંભે અગાઉના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે અને માનવ ઈતિહાસમાં કોઈ એક સ્થળે સૌથી વધુ મેદની જોવા મળી હતી. આ સદીના સૌથી મોટા ઉત્સવ તરીકે મહાકુંભને ઓળખાવતા યોગીએ કહ્યું હતું કે તેના કારણે ઉત્તરપ્રદેશ વિશ્વના નકશામાં ચમક્યું છે અને તેના કારણે અયોધ્યા, કાશી, મથુરા, ગોરખપુર અને પ્રયાગ રાજનો પંચતીર્થ તરીકે સંગમ થયો છે.
યોગી આદિત્યનાથે મંગળવારે જણાવ્યું હતું કે મક્કામાં દર વર્ષે 1.4 કરોડ લોકો હજ માટે જાય છે, જ્યારે વેટિકન સિટીમાં વર્ષે 80 લાખ લોકો જતા હોય છે. અયોધ્યાની વાત કરીએ તો, અહીંયા માત્ર 52 દિવસમાં 16 કરોડ શ્રદ્ધાળુ આવ્યા છે. કુંભ મેળાની છબિ બગાડવા કેટલાક ડાબેરી-સમાજવાદીઓએ પ્રયાસ કર્યો છે, પરંતુ જંગી મેદનીએ તેમની નકારાત્મકતાને જાકારો આપ્યો હતો.
છેલ્લાં પવિત્ર સ્નાન પહેલાભક્તોના ભારે ધસારાને ધ્યાનમાં રાખીને સમગ્ર પ્રયાગરાજને મંગળવારે સાંજે 6 વાગ્યાથી નો-વ્હીકલ ઝોન જાહેર કરાયો હતો.
વહીવટીતંત્રે તમામ મુલાકાતીઓને પોલીસની માર્ગદર્શિકાનું પાલન કરવા અને સહકાર આપવા વિનંતી કરી હતી. સરકારે જણાવ્યું હતું કે ભક્તોએ તેમના પ્રવેશ બિંદુઓના આધારે નજીકના નિર્ધારિત ઘાટ પર જ સ્નાન કરવું જોઈએ. દક્ષિણી ઝુંસી માર્ગેથી આવતા લોકોએ અરેલ ઘાટનો ઉપયોગ કરવો જોઈએ, જ્યારે ઉત્તરી ઝુંસી માર્ગેથી હરિશ્ચંદ્ર ઘાટ અને જૂના જીટી ઘાટ તરફ જવું જોઈએ. પાંડે ક્ષેત્રના પ્રવેશકર્તાઓને ગહતસુખ, ગહતવાગરી, ગહતવાગરી, ગહતવાગરી જવા માટે નિર્દેશિત કરવામાં આવ્યા છે. ઘાટ, રામ ઘાટ અને હનુમાન ઘાટ અરેલ સેક્ટરમાંથી આવતા ભક્તોએ સ્નાન માટે અરેલ ઘાટનો ઉપયોગ કરવો જોઈએ.
