મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં ગોટાળાની કોંગ્રેસની ફરિયાદને નકારી કાઢતાં ચૂંટણીપંચે મંગળવારે ભારપૂર્વક જણાવ્યું હતું કે મહારાષ્ટ્રમાં મનસ્વી રીતે મતદારોના નામ ઉમેરવામાં કે દૂર કરવામાં આવ્યા નથી. સાંજે 5 વાગ્યાના મતદાનના આંકડાની અંતિમ મતદાનના ડેટા સાથે સરખામણી કરવાનું પણ યોગ્ય નથી. સાંજે 5 વાગ્યાથી 11:45 વાગ્યા સુધી મતદાનની ટકાવારીમાં વધારો એક સામાન્ય બાબત છે અને તે મતદાનની માહિતી એકત્ર કરવાની પ્રક્રિયાનો એક ભાગ છે.
મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીમાં કારમી હાર પછી કોંગ્રેસે નવેમ્બરમાં ચૂંટણી સંબંધિત કેટલીક ચિંતાઓ સાથે ચૂંટણીપંચને ફરિયાદ કરી હતી. ચૂંટણી પંચે કોંગ્રેસની ચિંતાઓને ખોટી અને ભ્રામક ગણાવીને ફગાવી દીધી હતી.
ચૂંટણીપંચે કોંગ્રેસને જણાવ્યું હતું કે વાસ્તવિક મતદાન ટકાવારીમાં ફેરફાર કરવાનું અસંભવ છે, કારણ કે મતદાનની વિગતો આપતું સત્તાવાર ફોર્મ 17C મતદાનના અંતે મતદાન મથક પર ઉમેદવારોના અધિકૃત એજન્ટો પાસે ઉપલબ્ધ હોય છે.
ચૂંટણીપંચે કોંગ્રેસને જણાવ્યું હતું કે 50 વિધાનસભા બેઠકો પર જુલાઈથી નવેમ્બર દરમિયાન સરેરાશ 50,000 મતદારોના નામ ઉમેરવામાં આવ્યા હોવાની તેની ફરિયાદ પણ હકીકતમાં ખોટી અને ભ્રામક છે. હકીકત એ છે કે આ સમયગાળામાં માત્ર છ વિધાનસભા બેઠકોમાં મતદારની સંખ્યામાં 50,000થી વધુનો વધારો થયો હતો. તેથી મતદારની સંખ્યામાં વધારાને કારણે 47 બેઠકો ભાજપની આગેવાની હેઠળની મહાયુતિને મળી હોવાનો સવાલ જ ઊભો થતો નથી. દરેક બેઠક દીઠ સરેરાશ 2,779 મતદાતાના નામ રદ કરાયા હતાં. તેનું કારણ મતદાતાનું મોત અને સ્થળાંતર તથા ડુપ્લિકેટ એન્ટ્રી છે. આ મતદાતાના નામો કમી કરવામાં પણ પાર્ટીના પ્રતિનિધિઓની ભાગીદારી સાથે યોગ્ય પ્રક્રિયાનું પાલન કરાયું હતું. ચૂંટણીપંચે સમગ્ર પ્રક્રિયા દરમિયાન રાજકીય પક્ષો કે ઉમેદવારોની સક્રિય સામેલગીરીના આશરે 60 ઉદાહરણો પણ ટાંક્યા હતાં.
ચૂંટણીપંચે પુનરોચ્ચાર કર્યો હતો કે ‘રોલ ટુ પોલ’ (મતદાર યાદીની તૈયારીથી શરૂ કરીને મતદાન પ્રક્રિયા પૂર્ણ કરવા સુધી)ની દરેક તબક્કે રાજકીય પક્ષોની ભાગીદારી હતી.