મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લાના કેટલાંક ગામોમાં છેલ્લાં કેટલાંક સમયથી લોકો અચાનક ટાલિયા બનવા લાગતા ગભરાટ ફેલાયો હતો. આ રહસ્યમય બિમારીથી સંખ્યાબંધ લોકોના વાળ ઝડપથી ખરી રહ્યાં છે અને લોકો ગણતરીના દિવસોમાં જ ટાલિયા બની રહ્યાં છે. રાજ્યના આરોગ્ય વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર, જિલ્લાના શેગાંવ તાલુકાના કાલવડ, બોંડગાંવ અને હિંગણા ગામમાં 30 જેટલા વ્યક્તિઓએ અચાનક વાળ ખરવાની અને ટાલ પડવાની ફરિયાદ કરી છે. આ પછી સત્તાવાળાએ આની તપાસ ચાલુ કરી હતી.
ગામમાં બાળકોથી લઈને વૃદ્ધો સુધીના દરેકના વાળ ખરવા લાગ્યા છે. જેના કારણે તેઓને ટાલ પડી રહી છે, મહિલાઓ પણ તેનો શિકાર બની રહી છે. આ ગામડાઓમાં ફેલાઈ રહેલો આ કયા પ્રકારનો રોગ છે, તે હજુ સુધી જાણી શકાયું નથી. આ રોગ આનુવંશિક છે કે કેમ તે જાણવા માટે આરોગ્ય વિભાગની ટીમે આ ગામોમાં જઈને સર્વે કર્યો છે. તેમણે પાણીના સેમ્પલ પણ લઈ લીધાં છે. આ રોગના પહેલા દિવસે જ વ્યક્તિને માથામાં ખંજવાળ આવવા લાગે છે. બીજા દિવસથી વાળ હાથમાં આવવા માંડે છે અને ત્રીજા દિવસે દર્દીને ટાલ પડી જાય છે.

LEAVE A REPLY