પ્રખ્યાત ફિલ્મ નિર્દેશક, પટકથા લેખક અને નિર્માતા શ્યામ બેનેગલનું સોમવાર, 23 ડિસેમ્બરે મુંબઈમાં નિધન થયું હતું. તેઓ 90 વર્ષના હતાં. તેમના નિધનથી ભારતીય ફિલ્મ નિર્માણમાં એક યુગનો અંત આવ્યો હતો. શ્યામ બેનેગલે ઝુબૈદા, ધ મેકિંગ ઓફ ધ મહાત્મા, નેતાજી સુભાષ ચંદ્ર બોઝઃ ધ ફર્ગોટન હીરો, મંડી, આરોહન, વેલકમ ટુ સજ્જનપુર જેવી મહાન ફિલ્મો બનાવી હતી.
તેમની પુત્રી પીયા બેનેગલે જણાવ્યું હતું કે તેમનું નિધન સાંજે 6.38 કલાકે વોકહાર્ટ હોસ્પિટલ મુંબઈ સેન્ટ્રલ ખાતે થયું હતું. તે ઘણા વર્ષોથી કિડનીની બિમારીથી પીડિત હતાં.
શ્યામ બેનેગલની ફિલ્મોએ ભારતીય સિનેમાને નસીરુદ્દીન શાહ, ઓમ પુરી, અમરીશ પુરી, શબાના આઝમી, સ્મિતા પાટીલ જેવા મહાન કલાકારો આપ્યાં હતાં. જવાહરલાલ નેહરુ અને સત્યજીત રે પર ડોક્યુમેન્ટ્રી ફિલ્મ બનાવવા ઉપરાંત, તેમણે દૂરદર્શન માટે ‘યાત્રા’, ‘કથા સાગર’ અને ‘ભારત એક ખોજ’ સિરિયલોનું નિર્દેશન પણ કર્યું હતું.
ફિલ્મ ઉદ્યોગમાં યોગદાન માટે તેમને 1976માં પદ્મશ્રી અને 1991માં પદ્મ ભૂષણથી નવાજવામાં આવ્યા હતાં.
18 નેશનલ એવોર્ડ સાથે સૌથી વધુ નેશનલ એવોર્ડ જીતવાનો રેકોર્ડ તેમના નામે છે. બેનેગલને 2005માં ભારતીય સિનેમાનું સૌથી મોટું સન્માન દાદાસાહેબ ફાળકે એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો.
શ્યામ સુંદર બેનેગલનો જન્મ 14 ડિસેમ્બર 1934એ હૈદરાબાદના એક મધ્યમ વર્ગના પરિવારમાં થયો હતો. તેઓ પ્રખ્યાત અભિનેતા અને ફિલ્મ નિર્માતા ગુરુ દત્તના પિતરાઈ ભાઈ છે. અર્થશાસ્ત્રમાં M.A કર્યા પછી તેણે ફોટોગ્રાફી કરવાનું શરૂ કર્યું હતું. પોતાની પહેલી ફિલ્મ ‘અંકુર’ બનાવતા પહેલા તેમણે એડ એજન્સીઓ માટે ઘણી એડ ફિલ્મો બનાવી હતી.