ભારતના પૂર્વોત્તર રાજ્ય મણિપુરમાં શનિવાર, 16 નવેમ્બરે ફરી હિંસા ભડકી હતી. ત્રણ વ્યક્તિઓની હત્યાના વિરોધમાં મૈતેઇ સમુદાયના લોકોએ ઉગ્ર વિરોધી દેખાવો કર્યા હતા અને ત્રણ પ્રધાનો અને છ ધારાસભ્યોના ઘરો પર હુમલા કર્યા હતાં. ટોળાએ મુખ્યપ્રધાનના નિવાસસ્થાન પર પણ હુમલાનો પ્રયાસ કર્યો હતો. દેખાવકારોએ મુખ્યપ્રધાનના જમાઇના ઘરમાં ધુસીને ભારે તોડફોડ કરી હતી.
સ્થિતિ વણસતા સરકારે ઇમ્ફાલ ખીણમાં કર્ફ્યુ લાદ્યો હતો અને કેટલાંક વિસ્તારોમાં ઇન્ટરનેટ સેવાઓ સ્થગિત કરી હતી. આસામ-મણિપુર સરહદ નજીક શુક્રવારે રાત્રે ત્રણ વ્યક્તિઓના મૃતદેહો મળ્યા પછી આ હિંસા ફાટી નીકળી હતી. અહીં ઉલ્લેખનીય છે કે મણિપુરમાં મે 2023થી મૈતેઇ સમુદાયને અનામતના મુદ્દે હિંસા ચાલુ થઈ હતી. મૈતૈઇ સમુદાયને અનામતનો કુકી સમુદાયે વિરોધ કર્યો હતો અને તે પછીથી બંને સમુદાય વચ્ચે આજદિન સુધી હિંસા ચાલે છે.
મૈતેઇ દેખાવકારોએ છમાંથી ત્રણ ધારાસભ્યોના ઘરોમાં ભારે તોડફોડ કરી હતી અને તેમની મિલકતોને આગને ચાંપી દીધી હતી. સુરક્ષા દળોએ ઇમ્ફાલના જુદા જુદા વિસ્તારોમાં દેખાવકારોના ટોળાને વિખેરવા માટે ટીયર ગેસના શેલ છોડ્યા હતાં.
ઇમ્ફાલ ખીણમાં મૈતેઇ સમુદાયનું પ્રતિનિધિત્વ કરતી સર્વોચ્ચ સંસ્થા કો-ઓર્ડિનેશન કમિટી ઓફ મણિપુર ઇન્ટિગ્રિટી (COCOMI)એ સશસ્ત્ર ઉગ્રવાદીઓ સામે 24 કલાકમાં લશ્કરી કાર્યવાહીની માંગ કરી હતી. COCOMI પ્રવક્તા કે અથોબાએ અમને હવે કેન્દ્ર અને રાજ્ય સરકારોની સુરક્ષા વ્યવસ્થા પર વિશ્વાસ નથી. અમે ખ્વાઈરામબંદ મધર્સ માર્કેટ ખાતે અનિશ્ચિત સમય માટે ધરણા શરૂ કરીશું. તમામ કેન્દ્રીય અને રાજ્ય કચેરીઓ અનિશ્ચિત સમય માટે બંધ કરાશે. તેમણે AFSPA (આર્મ્ડ ફોર્સીસ સ્પેશિયલ પાવર્સ એક્ટ)ને તાત્કાલિક રદ કરવાની પણ માગણી કરી હતી.
અધિકારીઓએ જણાવ્યું હતું કે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને ધ્યાનમાં રાખીને ઇમ્ફાલ ખીણના ઇમ્ફાલ પૂર્વ અને પશ્ચિમ, બિષ્ણુપુર, થૌબલ અને કાકચિંગ જિલ્લામાં અનિશ્ચિત સમય માટે કર્ફ્યુ લાદવામાં આવ્યો હતો. દેખાવકારોએ રાજ્યના પ્રધાનો અને ધારાસભ્યોના નિવાસસ્થાનમાં ઘૂસીને તોડફોડ કરતાં રાજ્ય વહીવટીતંત્રે શનિવારે સાંજે સાત જિલ્લાઓમાં અસ્થાયી રૂપે ઇન્ટરનેટ સેવાઓ સ્થગિત કરી હતી.
દેખાવકારોના ટોળાએ ઇમ્ફાલ પશ્ચિમ જિલ્લામાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ પ્રધાન સપમ રંજન, ગ્રાહક બાબતો અને જાહેર વિતરણ મંત્રી એલ સુસિન્દ્રો સિંઘના તથા મ્યુનિસિપલ એડમિનિસ્ટ્રેશન હાઉસિંગ ડેવલપમેન્ટ મંત્રી વાય ખેમચંદના નિવાસસ્થાનને પણ વિરોધીઓએ નિશાન બનાવ્યું હતું અને તોડફોડ કરી હતી.
લેમ્ફેલ સનાકીથેલ ડેવલપમેન્ટ ઓથોરિટીના પ્રતિનિધિ ડેવિડે પત્રકારોને જણાવ્યું હતું કે સપમે અમને ખાતરી આપી હતી કે ત્રણ વ્યક્તિઓની હત્યા સંબંધિત મુદ્દાઓ પર કેબિનેટની બેઠકમાં ચર્ચા કરવામાં આવશે અને જો સરકાર જનતાની લાગણીનું સન્માન કરવામાં નિષ્ફળ જશે તો મંત્રી રાજીનામું આપશે.
ઇમ્ફાલ પશ્ચિમ જિલ્લાના સગોલબંદ વિસ્તારમાં આંદોલનકારીઓ ભાજપના ધારાસભ્ય આરકે ઇમોના નિવાસસ્થાન સામે એકઠા થયા હતા અને સૂત્રોચ્ચાર કરીને સરકાર પાસેથી યોગ્ય પગલાંની માગણી કરી હતી. દેખાવકારોએ ગુનેગારોની 24 કલાકની અંદર ધરપકડ કરવાની માગણી કરી હતી. આર કે ઇમો રાજ્યના મુખ્યમંત્રી એન બિરેન સિંહના જમાઈ પણ છે. ટોળાએ ભાજપના આ ધારાસભ્યના ઘરમાં તોડફોડ કરી હતી અને તેમની મિલકતોને આગ લગાવી દીધી હતી.
દેખાવકારોએ ઇમ્ફાલ પશ્ચિમમાં તેરામાં ભાજપના ધારાસભ્ય સપમ કુંજકેસોરના નિવાસસ્થાને પણ હુમલો કર્યો હતો અને તેમની મિલકતોની તોડફોડ કરી હતી. ધારાસભ્યના આવાસની બહાર પાર્ક કરેલા એક વાહનને પણ સળગાવી દેવામાં આવ્યું હતું.
પોલીસે જણાવ્યું હતું કે જિલ્લાના થાંગમેઇબંદ ખાતે બીજેપીના અન્ય ધારાસભ્ય જોયકિશન સિંહના નિવાસસ્થાને પણ તોડફોડ કરવામાં આવી હતી.
ટોળાએ વાંગખેઈ મતવિસ્તારના જેડી(યુ) ધારાસભ્ય ટી અરુણ અને લંગથાબલના ભાજપના ધારાસભ્ય કરમ શ્યામના ઘરનો ઘેરાવ કર્યો હતો. તેમની મિલકતોને કોઈ નુકસાનના અહેવાલ મળ્યાં ન હતાં.
દેખાવકારો કેશમથોંગ મતવિસ્તારના અપક્ષ ધારાસભ્ય સપમ નિશિકાંત સિંઘને તેમના નિવાસસ્થાને મળવા પહોંચ્યાં હતા. જોકે ધારાસભ્ય ઘેર ન હોવાની માહિતી આપ્યા પછી ટોળું વિફર્યું હતું અને ધારાસભ્યની માલિકીના સ્થાનિક અખબારની ઓફિસ બિલ્ડિંગને નિશાન બનાવ્યું હતું. ટોળાએ ઓફિસ બિલ્ડિંગની સામેના કેટલાક કામચલાઉ બાંધકામોને તોડી પાડ્યા હતાં.
મહિલા બીજેપી ધારાસભ્ય એસ કેબી દેવી ઇમ્ફાલ પશ્ચિમ જિલ્લાના નૌરિયા પખાંગલક્પા વિસ્તારમાં દેખાવકારો સાથે વાતચીક કરવા ગયા હતા. પરંતુ દેખાવકારો ઉગ્ર બનતા સુરક્ષા દળો તેમને એક વાહનમાં બેસાડીને સુરક્ષિત સ્થળે લઈ ગયા હતા.
મુખ્ય સચિવ વિનીત જોશીએ શનિવારે સાંજે 5.15 વાગ્યાથી બે દિવસ માટે ઇમ્ફાલ પશ્ચિમ, ઇમ્ફાલ પૂર્વ, બિષ્ણુપુર, થૌબલ, કકચિંગ, કાંગપોકપી અને ચુરાચંદપુરના “હાલમાં પ્રભાવિત જિલ્લાઓના ઇન્ટરનેટ અને મોબાઇલ ડેટા સેવાઓને અસ્થાયી રૂપે સ્થગિત કરવાનો આદેશ આપ્યો છે.