બ્રિટન સરકારે મંગળવારે ભારતના પ્રવાસ જનારા બ્રિટિશ નાગરિકો માટેની સુધારેલી એડવાઇઝરી જાહેર કરી હતી, જેમાં ભારતમાં સેટેલાઇટ ફોન્સ લઇ જવા અને તેનો ઉપયોગ કરવા સામે ચેતવણી આપી હતી.
ધ ફોરેન, કોમનવેલ્થ એન્ડ ડેવલપમેન્ટ ઓફિસ (એફસીડીઓ) એ ભારત માટેની એડવાઇઝરીના સેફ્ટી એન્ડ સીક્યોરિટી સેક્શનની સમીક્ષા કરી જણાવ્યું હતું કે  બ્રિટિશ નાગરિકો આ ઉપકરણ ગેરકાયદે રીતે ભારત પ્રવાસે લઇ જશે તો તેમની ધરપકડ થઇ શકે છે. એડવાઇઝરીમાં એવું જણાવાયું છે કે ભારતમાં સેટેલાઇટ ફોન, શક્તિશાળી કેમેરા અને બાઇનોક્યુલર્સના ઉપયોગ માટે ભારતના ડીપાર્ટમેન્ટ ઓફ ટેલિકમ્યુનિકેશનની આગોતરા મંજૂરી જરૂરી છે. એડવાઇઝરીમાં વધુમાં કહેવાયું હતું કે આવા ઉપકરણો અંગેની સલાહ લંડન સ્થિત ભારતીય હાઇકમિશન પાસેથી મેળવી શકાય છે.
એફસીડીઓના અપડેટ અનુસાર, ભારતમાં લાયસન્સ વિના સેટેલાઇટ ફોન રાખવો અને તેનો ઉપયોગ ગેરકાયદે છે. દેશમાં આગોતરા મંજૂરી વિના સેટેલાઇટ ફોન્સ તેમજ અન્ય સેટેલાઇટ સંચાલિત નેવિગેશનલ ઉપકરણો લઇ જવા જોઈએ નહીં.
લાયસન્સ માટે ભારત સરકારના ડીપાર્ટમેન્ટ ઓફ ટેલિકમ્યુનિકેશનનો સંપર્ક કરી તે માટે વિનંતી કરવી. સાંભળવાના અથવા રેકોર્ડિંગ ડિવાઇસિસ, રેડિયો ટ્રાન્સમિટર્સ, શક્તિશાળી કેમેરા અથવા બાઇનોક્યુલર્સ ભારત લઇ જવા માટે ભારતીય સત્તાધિશોની પૂર્વ મંજૂરી લેવી જરૂરી રહેશે. તે અંગેની સલાહ માટે લંડન સ્થિત ભારતીય હાઇ કમિશનનો સંપર્ક કરવા સલાહ અપાઈ છે.

LEAVE A REPLY