કેપ્ટન જો રૂટની શાનદાર બેવડી સદી બાદ ડોમિનિક બેસની ઘાતક બોલિંગની મદદથી ઈંગ્લેન્ડે ચેન્નઈમાં રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ ક્રિકેટ મેચમાં રવિવારે ત્રીજા દિવસની રમતને અંતે ભારત સામે મજબૂત સ્થિતિ મેળવી લીધી હતી. ઈંગ્લેન્ડે પ્રથમ દાવમાં 578 રનનો વિશાળ સ્કોર ખડક્યો હતો જેના જવાબમાં ભારતીય બેટ્સમેનોનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું. ચેતેશ્વર પૂજારા તથા રિશભ પંતની અડધી સદી છતાં ભારત સામે ફોલો-ઓનનું જોખમ આવી ગયું છે. રવિવારે ભારતે મેચના ત્રીજા દિવસના અંતે છ વિકેટે 257 રન નોંધાવ્યા છે. દિવસના અંતે વોશિંગ્ટન સુંદર 33 અને રવિચંદ્રન અશ્વિન 8 રને રમતમાં છે. ભારત ઈંગ્લેન્ડથી હજી 321 રન પાછળ છે અને તેની ચાર વિકેટ બાકી છે.
ઓપનર રોહિત શર્મા ફક્ત છ રન નોંધાવીને પેવેલિયન ભેગો થયો હતો. ભારતનો કેપ્ટન વિરાટ કોહલી 11 રન નોંધાવીને પેવેલિયન ભેગો થયો હતો. અજિંક્ય રહાણે પણ બેટિંગમાં ફ્લોપ રહ્યો હતો. તે ફક્ત એક રન નોંધાવીને આઉટ થયો હતો. શુભમન ગિલે આક્રમક બેટિંગ કરી હતી પરંતુ મોટી ઈનિંગ્સ રમવામાં નિષ્ફળ રહ્યો હતો. તેણે 28 બોલમાં પાંચ ચોગ્ગા સાથે 29 રન નોંધાવ્યા હતા.
ઈંગ્લેન્ડ માટે સ્પિનર ડોમિનિક બેસ અને ઝડપી બોલર જોફ્રા આર્ચરે ઘાતક બોલિંગ કરી હતી. તેમાં બેસે ભારતની ચાર મહત્વની વિકેટ ઝડપી હતી. તેણે 23 ઓવરમાં 55 રન આપીને ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી, અજિંક્ય રહાણે અને રિશભ પંતને પેવેલિયન ભેગા કર્યા હતા. જ્યારે ઝડપી બોલર જોફ્રા આર્ચરે બંને ઓપનરને આઉટ કર્યા હતા. તેણે 16 ઓવરમાં 52 રન આપીને રોહિત શર્મા અને શુભમન ગિલની વિકેટ ઝડપી હતી.