આશરે બે દાયકા પહેલા હસ્તાક્ષર કરાયેલા ભારત-અમેરિકા વચ્ચેના નાગરિક પરમાણુ કરારની એક સીમાચિહ્નરૂપ હિલચાલમાં અમેરિકાના ઊર્જા વિભાગ (DoE)એ એક યુએસ કંપનીને ભારતમાં સંયુક્ત રીતે પરમાણુ ઊર્જા પ્લાન્ટના ડિઝાઇન અને નિર્માણને મંજૂરી આપી છે.
ભારત-અમેરિકા નાગરિક પરમાણુ કરારના એક માળખા પર 2007માં તત્કાલીન વડા પ્રધાન મનમોહન સિંહ અને તત્કાલીન યુએસ પ્રમુખ જ્યોર્જ ડબલ્યુ બુશ દ્વારા હસ્તાક્ષર કરવામાં આવ્યા હતાં. જોકે વિવિધ મુદ્દે મતભેદને કારણે તેનો અમલ થઈ શક્યો ન હતો. આ પછી લગભગ 20 વર્ષ સુધી વિગતવાર ચર્ચાઓ, કાનૂની અને નિયમનકારી મંજૂરીઓ, ટેકનોલોજી પરમિટો, જવાબદારી કલમો અંગે ચર્ચાવિચારણા થઈ છે.
અત્યાર સુધી નાગરિક પરમાણુ કરાર હેઠળ, યુએસ કંપનીઓ ભારતમાં પરમાણુ રિએક્ટર અને સાધનો નિકાસ કરી શકતી હતી, પરંતુ તેમને ભારતમાં કોઈપણ ડિઝાઇન કાર્ય અથવા પરમાણુ ઉપકરણોના ઉત્પાદન પર પ્રતિબંધ હતો.ભારતનો આગ્રહ હતો કે ડિઝાઇન, મેન્યુફેક્ચરિંગ અને ટેકનોલોજી ટ્રાન્સફર ભારતમાં થવું જોઇએ. જોકે આ ક્ષેત્રમાં રશિયાના વધતા જતાં પ્રભાવ વચ્ચે અમેરિકા ભારતની આ શરત સાથે સંમત થયું છે. અમેરિકા અને ભારતીય કંપનીઓ હવે સંયુક્ત રીતે નાના મોડ્યુલર રિએક્ટર અથવા SMRનું ઉત્પાદન કરશે અને તેના તમામ ઘટકો અને ભાગોનું પણ સહ-ઉત્પાદન કરશે.
