ભારત અને ચીન વચ્ચે થયેલી નવમાં રાઉન્ડની કમાન્ડર વાતચીત દરમિયાન જે સહમતિ બની હતી તેના ઉપર અમલ થવાની શરુઆત થઇ ગઇ છે. પૈંગોંગ સરોવરના દક્ષિણ અને ઉત્તર ભાગમાંથી ચીના અને ભારતીય સૈનિકો પાછા હટી રહ્યા છે, એમ ચીનના સંરક્ષણ મંત્રાલયે બુધવારે જણાવ્યું હતું.
આ એ જગ્યા છે જ્યાં બંને દેશોના સૈનિકો છેલ્લા ઘણા સમયથી એકબીજી સામે આમને સામને હતા અને તાજેતરમાં બંને વચ્ચે તંગદિલી ઊભી થઈ હતી.
ચીનના વર્તમાનપત્ર ગ્લોબલ ટાઇમ્સે સંરક્ષણ મંત્રાલયનો સંદર્ભ આપતા જણાવ્યું કે ભારતીય અને ચાઇનીઝ કમાન્ડરો વચ્ચે 24 જાન્યુઆરીના રોજ થયેલી વાતચીત પ્રમાણે બંને દેશના સૈનિકો પૈંગોંગ તળાવની બંને તરફથી પરત ફરી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે બંને દેશો વચ્ચે ગયા વર્ષે મે મહિનામાં સરહદના મુદ્દે તણાવ શરુ થયો હતો. ચીનના સૈનિકોએ પૈગોંગ તળાવ ઉપર પોતાનો હક વધારવાની શરુઆત કરી હતી. તેનાથી દેશોના સૈનિકો વચ્ચે સંઘર્ષ થયો હતો. આ ઘટનામાં ભારતના 20 જવાનો પણ શહીદ થયા હતા.