બ્રિટનમાં નવા પ્રકારના કોરોનાવાઇરસને ફેલાવાને પગલે ભારતે બ્રિટનથી ઉપડતી કે જતી તમામ ફ્લાઇટને 31 ડિસેમ્બર સુધી સસ્પેન્ડ કરી હતી. ભારતના એવિયેશન મંત્રાલયે સોમવારે એક ટ્વીટમાં જણાવ્યું હતું કે આ પ્રતિબંધ બુધવારથી અમલ થશે અને તે પહેલા બ્રિટનથી આવતા તમામ પેસેન્જર્સનું એરપોર્ટ પર આગમન સમયે RT-PCR ટેસ્ટિંગ થશે.
બ્રિટનના નવા પ્રકારના કોરોના વાઇરસની ચર્ચા કરવા ભારતમાં કોવિડ-19 અંગેની મોનિટરિંગ ગ્રૂપની સોમવારે સવારે બેઠક મળી હતી. ભારતના આરોગ્ય પ્રધાન હર્ષવર્ધને જણાવ્યું હતું કે સરકાર નવા સ્વરૂપના વાઇરસથી સંપૂર્ણપણે એલર્ટ છે અને ગભરાટનું કોઇ કારણ નથી. આ અગાઉ દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે પણ બ્રિટન માટેની તમામ ફ્લાઇટ પર તાકીદે પ્રતિબંધ મૂકવાની સોમવારે માગણી કરી હતી.