લંડનના મધ્યમાં આવેલું મહારાજા દુલિપ સિંહના પુત્ર, પ્રિન્સ વિક્ટર આલ્બર્ટ જય દુલીપ સિંઘનું મેન્શન જેને તેમના વૈવાહિક ઘર તરીકે રજૂ કરવામાં આવ્યું હતું, તેનું વેચાણ £15.5 મિલિયનમાં કરવા માટે બજારમાં મૂકવામાં આવ્યું છે.
દુલિપ સિંઘ, મહારાજા રણજીતસિંહના સૌથી નાના પુત્ર અને 19મી સદીમાં લાહોર સહિતના શીખ સામ્રાજ્યના છેલ્લા મહારાજા હતા. તેમનું સામ્રાજ્ય બ્રિટીશ રાજ હેઠળ આવતા તેમને ઇંગ્લેન્ડ દેશનિકાલ કરાયા હતા. તેમના પુત્ર, પ્રિન્સ વિક્ટરનો જન્મ 1866માં લંડનમાં થયો હતો અને તેમનો ઉછેર ગોડમધર મહારાણી વિક્ટોરિયાની નજર હેઠળ થયો હતો. તેમના લગ્ન કોવન્ટ્રીના 9મા અર્લની પુત્રી લેડી એન કોવેન્ટ્રી સાથે થયા હતા. જેણે તે સમયે ઇંગ્લીશ સમાજમાં હંગામો મચાવ્યો હતો. તે સમયે બ્રિટિશ અધિકારીઓએ ધ લીટલ બોલ્ટન્સ વિસ્તારમાં “ગ્રેસ-એન્ડ-ફેવર” મેન્શન તેમને ભાડે આપ્યું હતું.
ઇસ્ટ ઈન્ડિયા કંપનીએ આ સંપત્તિ 1858માં મેળવી હતી અને વિસ્થાપિત દુલીપસિંહ પરિવારને ટોકન ભાડાથી આપી હતી. આ મેન્શન ઉપરાંત, વિસ્થાપિત ભારતીય શાહી પરિવાર પાસે વિમ્બલ્ડન અને રોહેમ્પ્ટનમાં પણ મેન્શન્સ હતા અને ઇસ્ટ ઇંગ્લેન્ડના સફોકમાં 17,000 એકરના કન્ટ્રી હાઉસ એલ્વેડન હોલ હતું.
બ્યુચેમ્પ એસ્ટેટ્સ એજન્ટ્સના જણાવ્યા અનુસાર આ સંપત્તિ છેવટે ખાનગી માલિકી પાસે ગઈ હતી અને 2010માં તેને મોર્ડનાઇઝ્ડ કરવામાં આવી હતી. 5,613 ચોરસ ફૂટના વિશાળ ઇટાલીયન શૈલીના વિલામાં બે મોટા રૂફ ટેરેસ, બે રિસેપ્શન રૂમ, એક ફેમીલી રૂમ, કિચન અને ડાઇનીંગ રૂમ, પાંચ બેડરૂમ, જીમ, બે સ્ટાફ બેડરૂમ શામેલ છે.