ભારતમાં રવિવારે પુરી થયેલી સૌપ્રથમ વર્લ્ડ ખો-ખો ટુર્નામેન્ટમાં ભારતની પુરૂષોની અને મહિલા ટીમ ચેમ્પિયન બની હતી.ભારતીય મહિલા ટીમે ફાઈનલમાં નેપાળને હરાવીને તાજ હાંસલ કર્યો હતો.
પ્રિયંકા ઇંગલના નેતૃત્વ હેઠળની ભારતીય ટીમે નેપાળને 78-40થી હરાવ્યું હતું. ઈન્દિરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમમાં ભારતીય મહિલા ટીમે શાનદાર પ્રદર્શન કર્યું. જેમાં ભારતની ટીમે પ્રથમ ટર્નમાં 34 પોઈન્ટ લીધા હતા, તો નેપાળની ટીમ પોઈન્ટ મેળવવામાં નિષ્ફળ રહી હતી.
બીજા ટર્નમાં ભારતનો સ્કોર 35 પોઈન્ટ હતો, જ્યારે નેપાળની ટીમે 24 પોઈન્ટ કર્યા હતા. ત્રીજા ટર્નમાં ભારતે એક પોઈન્ટ અને નેપાળે 24 પોઈન્ટ મેળવ્યા હતા.
તો ભારતની પુરૂષોની ટીમે પણ ફાઈનલમાં નેપાળને 54-36થી હરાવ્યું હતું. વિશેષ નોંધપાત્ર બાબત એ રહી હતી કે, ભારતની બન્ને ટીમો સમગ્ર સ્પર્ધામાં અજેય રહી હતી.