ભારતમાં કોરોના વાઇરસના એક દિવસમાં 62,714 નવા કેસ નોંધાયા હતા, જે ચાલુ વર્ષના સૌથી વધુ છે. દેશમાં દૈનિક મૃત્યુની સંખ્યા પણ 300ને પાર થઈ ગઈ હતી. 2021માં પહેલીવાર 312 લોકોના કોરોનાના કારણે મોત નોંધાયા હતા. દેશમાં163 દિવસ પછી કોરોનાના નવા કેસનો આંકડો 62,500ને પાર ગયો થયો હતો, એમ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે રવિવારે સવારે આઠ વાગ્યે જણાવ્યું હતું.
મંત્રાલયના જણાવ્યા અનુસાર હાલ દેશમાં એક્ટિવ કેસની સંખ્યા સતત 18માં દિવસે વધીને 4,86,310 થઈ હતી, જે કુલ કેસા આશરે 4.06 ટકા હતા. કોરોનાનો રિકવરી રેટ ઘટીને 94.58 ટકા થયો હતો. દેશમાં અત્યાર સુધીમાં 1.19 કરોડ લોકો આ મહામારીની ઝપેટમાં આવી ચૂક્યા છે. તેમાંથી લગભગ 1.13 કરોડ લોકો સાજા થઈ ચૂક્યા છે. 1.61 લાખ દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. એક દિવસમાં કોરોનાથી કુલ 312 મોતમાંથી મહારાષ્ટ્રમાં 166 અને પંજાબમાં 45ના મોત થયા હતા. કેરળમાં 14 અને છત્તીસગઢમાં 13 લોકોના મોત થયા હતા.
કોરોનાના વધતા જતા કેસો વચ્ચે મધ્યપ્રદેશના 12 શહેરોમાં રવિવારે લોકડાઉન હતું, જેમાં ભોપાલ, ઈન્દોર, જબલપુર ઉપરાંત બેતુલ, છિંદવાડા, રતલામ અને ખારગોન સામેલ હતા. વિદિશા, ઉજ્જૈન, છીંદવાડા જિલ્લાના સોસર, નરસિંહપુર સાથે ગ્વાલિયરમાં પણ લોકડાઉન હતું..