ભારતમાં સતત બીજા દિવસે કોરોનાના કેસની સંખ્યા 16,000થી વધુ રહી છે અને એક દિવસમાં 120 લોકોના મોત થયા હતા, એમ શુક્રવારે સવારે આઠ વાગ્યે આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું.
દેશમાં ફરી એકવાર કોરોના વાયરસના કેસમાં ઉછાળો નોંધાઈ રહ્યો છે. મહારાષ્ટ્ર સહિત દેશના કેટલાક ભાગમાં કોરોનાના વધતા કેસ ચિંતાનું કારણ બન્યા છે. દેશમાં એક્ટિવ કેસ ફરી દોઢ લાખને પાર થઈ ગયા છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ દેશમાં પાછલા 24 કલાકમાં 16,577 નવા કેસ નોંધાયા હતા અને 12,179 લોકો સાજા થયા હતા. નવા કેસની સામે રિકવર થયેલા દર્દીઓની સંખ્યા ઘટવાના કારણે એક્ટિવ કેસનો આંકડો મોટો થઈ રહ્યો છે. કોરોનાથી 120 લોકોનું કોરોનાના કારણે દેશમાં મૃત્યું થયું હતું.
ભારતમાં 16,000 કરતા વધુ કેસ નોંધાતા કુલ કેસનો આંકડો 1,10,63,491 પર પહોંચી ગયો હતો. દેશમાં એક્ટિવ કેસનો આંકડો 1,55,986 પર પહોંચી ગયો હતો, અને અત્યાર સુધીમાં 1,07,50,680 લોકો કોરોનાને હરાવી ચુક્યા છે. વધુ 120 લોકોના મોત સાથે દેશમાં કોરોના વાયરસના કારણે 1,56,825 લોકોએ જીવ ગુમાવ્યો છે. મંત્રાલયના જણાવ્યા પ્રમાણે શુક્રવાર સુધીમાં કુલ 1,34,72,643 લોકોને કોરોના વાયરસ સામે લડવા માટે રસી આપવામાં આવી હતી.