ભારતમાં ડિસેમ્બર પછીથી ગુરુવારે કોરોનાના એક દિવસમાં સૌથી વધુ કેસ નોંધાયા હતા. મહારાષ્ટ્રમાં કોરોનાની સ્થિતિ વધુ ગંભીર બની રહી છે અને તેનાથી સરકાર વિવિધ વિસ્તારોમાં લોકડાઉન જેવા પગલાં લઈ રહી છે.
ગુરુવારે આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર ભારતમાં છેલ્લાં 24 કલાકમાં કુલ 22,854 કેસ નોંધાયા હતા, જે 25 ડિસેમ્બર પછીથી સૌથી વધુ દૈનિક કેસ છે. આ ઉપરાંત એક દિવસમાં 126 લોકોના મોત થયા હતા. તેનાથી કુલ મૃત્યુઆંક વધીને 158,129 થયો હતો. ફેબ્રુઆરીના પ્રારંભ પછીથી મૃત્યુની સંખ્યામાં સરેરાશ ધોરણે સતત વધારો થઈ રહ્યો છે. ભારતમાં કોરોનાના કુલ કેસની સંખ્યા વધીને 11.3 મિલિયન થઈ છે, જે અમેરિકા પછી વિશ્વમાં સૌથી વધુ છે. સપ્ટેમ્બર 2020માં એક દિવસમાં આશરે 90,000 કેસ પછીથી દેશમાં કોરોનાના કેસમાં ઘટાડો ચાલુ થયો હતો, પરંતુ હવે તેમાં ફરી વધારો થઈ રહ્યો છે.