વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ (WGC) દ્વારા તાજેતરમાં જણાવવામાં આવ્યું હતું કે, 2024માં ભારતમાં સોનાની માગ 5 ટકા વધીને 802.8 ટન થઈ હતી, જે 2023માં 761 ટન હતી. આયાત ડ્યૂટીમાં ઘટાડો થતા સોનાની માગ વધી હતી. આ ઉપરાંત લગ્નસરાની સિઝન અને તહેવારોને કારણે પણ સોનામાં ખરીદી વધી હતી. કાઉન્સિલના અંદાજ અનુસાર કેલેન્ડર વર્ષ 2025માં સોનાની માંગ 700-800 ટન વચ્ચે રહેશે. મૂલ્યની દૃષ્ટિએ સોનાની માગ 31 ટકા ઉછળીને રૂ. 5,15,390 કરોડ થઈ હતી, જે અગાઉના વર્ષે રૂ. 3,92,000 કરોડ હતી. કાઉન્સિલના ભારત ખાતેના સીઈઓ સચિન જૈને કહ્યું હતું કે ગત વર્ષે સોનાએ અનેક નવી વિક્રમી સપાટી રચી. 2024માં સોનું ​​​​​​​રૂ.6410 ઉછળીને 10 ગ્રામ દીઠ રૂ.85,800 પર પહોંચ્યું હતું, જે 1 જાન્યુઆરી, 2024ના રોજ રૂ.79,390 હતું. 2024માં જ્વેલરીની માગ 2 ટકા ઘટીને 563.4 ટન થઈ હતી, જે 2023માં 575.8 ટન હતી. ભાવમાં ઘણો વધારો થયો હોવા છતાં ખરીદીમાં ખાસ ઘટાડો જોવાયો ન હતો. સોનામાં રોકાણ 29 ટકા વધીને 239.4 ટન થયું હતું, જે 2013 પછીથી સૌથી વધુ છે. 2023માં સોનામાં રોકાણ 185.2 ટન હતું. ગોલ્ડ રીસાઈકલિંગ 2 ટકા ઘટીને 114.3 ટન થયું હતું, જે 2023માં 117.1 ટન હતું.
સોનાની આયાત 2024માં 4 ટકા ઘટીને 712.1 ટન થઈ હતી, જે 2023માં 744 ટન હતી. રીઝર્વ બેન્કે 2024માં 73 ટન સોનું ખરીદ્યું હતું, જે 2023માં ખરીદેલા 16 ટન સોના કરતા ચાર ગણાથી પણ વધુ છે. આગામી સમયમાં પણ સોનામાં રોકાણની માગ વધતી જશે તેમ કાઉન્સિલે કહ્યું છે.
WGCના રીપોર્ટ મુજબ 2024માં વૈશ્વિક સ્તર પર સોનાની માગ સાધારણ 1 ટકા વધીને 4974 ટન થઈ હતી. 2023માં સોનાની માગ 4945.9 ટન હતી. સતત ત્રીજા વર્ષે વિશ્વની સેન્ટ્રલ બેન્કોએ સોનામાં ખરીદી કરી હતી. નેશનલ બેન્ક ઓફ પોલેન્ડે સૌથી વધુ 90 ટન સોનું ખરીદ્યું હતું. ઓક્ટોબરથી ડિસેમ્બરના ગાળામાં 333 ટન સોનુ સેન્ટ્રલ બેન્કોએ ખરીદ્યું હતું. વિશ્વમાં સોનામાં રોકાણની માગ 25 ટકા વધીને 1179.5 ટન થઈ હતી જે છેલ્લાં ચાર વર્ષમાં સૌથી વધુ હતી. જ્વેલરી સેક્ટરમાં સોનાની માગ 11 ટકા ઘટીને 1877.1 ટન થઈ હતી, જે 2023માં 2110.6 ટન હતી. ચીનમાં માગ 24 ટકા ઘટી હતી, જ્યારે ભારતમાં 2 ટકા ઘટી હતી.

LEAVE A REPLY