ભારતમાં કોરોનાના કેસોમાં ઘટાડો થઈ રહ્યો છે, પરંતુ દૈનિક મોતની સંખ્યા 4,000થી ઊંચી રહી છે. દેશમાં બુધવારે કોરોનાના વાઇરસના નવા 2,08,921 કેસ સાથે કુલ કેસની સંખ્યા વધીને 2,71,57,795 થઈ હતી. જોકે 4,157 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક વધીને 3,11,388 થયો હતો.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે બુધવારે સવારે જારી કરેલા ડેટા મુજબ છેલ્લાં 24 કલાકમાં દેશમાં અત્યાર સુધીના સૌથી વધુ 22,17,320 કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. દેશમાં છેલ્લાં 24 કલાકમાં 2,95,955 લોકો રિકવર થતાં કુલ કોરોનામુક્ત લોકોની સંખ્યા વધીને 2,43,50,816 થઈ હતી. રાષ્ટ્રીય કોરોના રિકવરી રેટ સુધરીને 89.66 થયો હતો.
દેશમાં સતત બીજા દિવસે પોઝિટિવિટી રેટ 10 ટકાથી નીચે રહ્યો હતો. વીકલી પોઝિટિવિટી રેટ ઘટીને 11.45 ટકા થયો હતો. દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 24,95,591 થઈ હતી, જે કુલ કેસના 9.19 ટકા છે. કોરોનાનો મૃત્યુદર 1.15 ટકા રહ્યો હતો. દેશમાં થયેલા કુલ 4,157 મોતમાંથી મહારાષ્ટ્રમાં 1,137, કર્ણાટકમાં 588, તમિલનાડુમાં 468, કેરળમાં 177, પંજાબમાં 174 લોકોના મોત થયા હતા.