ભારતના ઘણા રાજ્યોમાં કોરોનાના આકરા નિયંત્રણો હોવા છતાં મહામારીનો પ્રકોપ ઘટ્યો નથી. દેશમાં બુધવારે કોરોના વાયરસથી વધુ 4,205 દર્દીઓએ જીવ ગુમાવ્યા હતા અને નવા 3,48,321 કેસ નોંધાયા હતા. મોતની સંખ્યા અત્યાર સુધીની સૌથી વધુ છે. આ પહેલા 7 મેના રોજ એક દિવસમાં સૌથી વધુ 4,187 મોતનો રેકોર્ડ હતો. મંગળવારે નોંધાયેલા નવા 4000થી વધુ મૃત્યુ સાથે કુલ મૃત્યુઆંક અઢી લાખને પાર કરીને 2,54,197 થઈ ગયો છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે બુધવારે સવારે આઠ વાગ્યે જારી કરેલા ડેટા અનુસાર દેશમાં 24 કલાકમાં વધુ 3,48,321 કોરોના પોઝિટિવ કેસ સાથે કુલ કેસની સંખ્યા વધીને 2,33,40,938 થઈ ગઈ હતી. 24 કલાકમાં નોંધાયેલા નવા કેસની સામે સાજા થયેલા દર્દીઓની સંખ્યા વધુ નોંધાઈ છે. 3,55,338 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે જેની સાથે કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા વધીને 1,93,82,642 થઈ ગઈ હતી..
સતત બીજા દિવસે એક્ટિવ કેસમાં ઘટાડો
ભારતમાં કોરોનાના નવા કેસની સામે સાજા થનારા દર્દીઓની સંખ્યા વધવાના કારણે એક્ટિવ કેસની ગતિ ઘટી ગઈ છે. દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 37,04,099 થઈ ગઈ છે. આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે છેલ્લાં 24 કલાકમાં એક્ટિવ કેસની સંખ્યામાં 11,122નો ઘટાડો થયો હતો. દેશમાં એક્ટિવ કેસનું પ્રમાણ કુલ કેસના 15.87 ટકા છે. દેશના કુલ એક્ટિવ કેસમાંથી 82.51 ટકા કેસ, કર્ણાટક, મહારાષ્ટ્ર, કેરળ, તમિલનાડુ, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન, આંધ્રપ્રદેશ, ગુજરાત, તમિલનાડુ, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ, હરિયાણા, બિહાર અને મધ્યપ્રદેશમાં છે.
બુધવારે કોરોનાના નવા 3.48 લાખ કેસમાંથી 71.22 ટકા કેસ, મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરળ, તમિલનાડુ, ઉત્તરપ્રદેશ, આંધ્રપ્રદેશ, પશ્ચિમ બંગાળ, રાજસ્થાન, દિલ્હી અને હરિયાણામાં નોંધાયા હતા. મહારાષ્ટ્રમાં સૌથી વધુ 40,956 અને કર્ણાટકમાં 39,510 કેસ નોંધાયા હતા. કેરળમાં 37,290 કેસ નોંધાયા હતા. રાષ્ટ્રીય મૃત્યુદર હાલમાં 1.09 ટકા છે.