દુબઈમાં યોજાયેલી ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ ક્રિકેટ મેચમાં ન્યુઝીલેન્ડ સામે ભારતની જીતની લંડન, લેસ્ટર, બર્મિંગહામ, કાર્ડિફ, ગ્લાસ્ગો સહિત યુકેભરમાં ધામધૂમપૂર્વક ઉજવણી કરાઇ હતી. ઉજવણી કરવા માટે ક્વીન્સબરીમાં લગભગ 1,000 લોકો એકઠા થયા હતા તો વેમ્બલી હાઇ રોડ અને ઇલફર્ડમાં લોકોના ટોળાએ ભારતીય ત્રીરંગા ધ્વજો લહેરાવી ભારત માતા કી જય અને વંદે માતરમના નારા લગાવી જીતની ઉજવણી કરી હતી.
યુકેભરના વિવિધ સોસ્યલ મિડીયા પ્લેટફોર્મ પર પણ ભારતની જીતના અનવના મીમ્સ અને જોક વહેતા થયા હતા.
ન્યૂઝીલેન્ડ સામે ચાર વિકેટની જીતને ચિહ્નિત કરવા હજાર જેટલા લોકો નોર્થ વેસ્ટ લંડનના ક્વીન્સબરી સર્કલ પર રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા. કેટલાકે સ્મોક બોમ્બ ફોડીને તો કેટલાકે ઢોલ વગાડીને ગરબા રમીને ટીમને અભિનંદન આપ્યા હતા અને નાચ-કુદ કરીને ઉજવણી કરી હતી.
ભારતે રેકોર્ડ ત્રીજી વખત ટાઇટલ મેળવ્યા બાદ ભારતીય ટીમના સમર્થકોએ ધ્વજ લહેરાવીને ખુશાલી વ્યક્ત કરી હતી. આવી જ ઉજવણી વેમ્બલી હાઇ રોડ પર પણ જોવા મળી હતી. કેટલાક લોકો બસ સ્ટોપ પર ચઢી ગયા હતા અને રોડ પર ડાન્સ કરતા ટ્રાફિક અવરોધાયો હતો.
નવનાત સેન્ટર ખાતે ઉજવણી કરાઇ
રોમાંચક ફાઇનલ મેચ જોવા માટે નવનાત બેડમિન્ટન ક્લબ (NBC) દ્વા
રા નવનાત સેન્ટર ખાતે લાઇવ મેચ સ્ક્રીનીંગનું આયોજન કરાયું હતું. જ્યાં સૌએ ઉત્તમ કંપની અને સ્વાદિષ્ટ ભોજનનો આનંદ માણ્યો હતો. 40 થી વધુ ઉત્સાહી ક્રિકેટ ચાહકોએ તાજી જલેબી, ક્રિસ્પી ગાંઠીયા, ઢોકળા, સંભારો, મસાલા ચા અને કોફીની મજા સાથે ક્રિકેટની જીતનો આનંદ માણ્યો હતો.
ઇલ્ફર્ડમાં ભારતના વિજયની શાનદાર ઉજવણી
ઇસ્ટ લંડનના ઇલ્ફર્ડમાં બ્રિટીશ ભારતીય ડાયસ્પોરાના સભ્યોએ ભારતના વિજયની શાનદાર ઉજવણી કરી હતી. અપાર ગૌરવની આ ક્ષણે ભારતીય મૂળના વિવિધ પૃષ્ઠભૂમિના પરિવારો એક થયા હતા અને વિજયની ઉજવણી કરી હતી.
રવિ ભાનોટ, ગીતા ચૌધરી અને ઇસ્ટ લંડનના સભ્યો દ્વારા આયોજિત કાર્યક્રમમાં ઇલ્ફર્ડની શેરીઓમાં આનંદ – ઉલ્લાસ સાથે તિરંગા ધ્વજ લહેરાવાયા હતા અને ભારતીય ખેલાડીઓના બ્લુ ટી-શર્ટથી શેરીઓ ઉભરાઇ ગઇ હતી. લોકો ઉત્સવની ઉજવણી કરતા હોય એમ નાચતા હતા. કેટલાકે લાડુ, બરફી અને જલેબી જેવી સ્વાદિષ્ટ મીઠાઈઓનું વિતરણ કર્યું હતું. એકતાની ભાવના સાથે ભારતના વિવિધ રાજ્યોના લોકો ભારતની સફળતાની ઉજવણી કરવા માટે એક સાથે આવ્યા હતા. સમગ્ર ઉજવણીનો અંત ભારતીય રાષ્ટ્રગીત ગાઇને કરાયો હતો. સંજોગોવશાત કાર રેલી કાઢવામાં આવી ન હતી.
ઇસ્ટ લંડનના સ્ટ્રેટફર્ડમાં આવેલ ઓ ટ્વેલ્વ બાર એન્ડ ગ્રીલ સહિત દેશભરના વિવિધ વિસ્તારોના પબ્સ અને રેસ્ટોરંટમાં પણ લાઇવ ક્રિકેટ મેચના સ્ક્રીનીંગના આયોજનો કરાયા હતા.
