ભાજપે 10 જૂને રાજ્યસભાની યોજાનારી ચૂંટણી માટે 16 ઉમેદવારોનો નામની જાહેરાત કરી છે. આ ઉમેદવારોમાં કેન્દ્રીય પ્રધાન પીયૂષ ગોયલ અને નિર્મલા સીતારમણને અનુક્રમે મહારાષ્ટ્ર અને કર્ણાટકમાંથી ઊભા રાખવામાં આવ્યા છે. 16 ઉમેદવારોમાંથી છ ઉત્તરપ્રદેશના છે. કેન્દ્રમાં સત્તાધારી પાર્ટી ભાજપે રાજ્યમાંથી બે મહિલા દર્શના સિંહ અને સંગીતા સિંહને મેદાનમાં ઉતાર્યા છે.
પક્ષે કર્ણાટક, મહારાષ્ટ્ર અને બિહાર એમ પ્રત્યેક રાજ્યોમાંથી બે ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. આ ઉપરાંત મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઉત્તરાખંડ અને હરિયાણમાંથી એક-એક ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. હરિયાણામાંથી રાજ્યસભાના સાંસદ અને ભાજપના મહામંત્રી દુશ્યંત ગૌતમનો ઉમેદવારોની પ્રથમ યાદીમાં સમાવેશ કરાયો નથી. પાર્ટીએ હરિયાણામાંથી ભૂતપૂર્વ ધારાસભ્ય ક્રિષ્ન લાલ પનવારને ટિકિટ આપી છે.
કવિતા પાટીદારને મધ્યમપ્રદેશમાંથી, રાજસ્થાનમાંથી ઘનશ્યામ તિવારીને અને ઉત્તરાખંડમાંથી કલ્પના સૈનીને પાર્ટીના ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. બિહારમાંથી ભાજપે સતીષ ચંદ્ર દુબે અને શંભુ શરણ પટેલને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. ભાજપની યાદીમાં જણાવાયા મુજબ મહારાષ્ટ્રમાંથી અનિલ શુખદેવરાવ બોન્ડે અને કર્ણાટકમાંથી જગ્ગેશને ટિકિટ આપવામાં આવી છે.