બ્રિટિશ એનર્જી સેક્રેટરી એડ મિલિબેન્ડ ચીન સાથે ઊર્જા મુદ્દે સહકાર સાધવા માટે ફરી ચર્ચા કરવા અને ચાઇનીઝ રોકાણકારોને મળવા આ મહિને બીજિંગની મુલાકાત લેશે. આ બાબતથી માહિતગાર ત્રણ સૂત્રોએ જણાવ્યું હતું કે, ચીનના અમેરિકા અને યુરોપિયન યુનિયન સાથેના સંબંધો બગડતા લેબર સરકાર ચીન સાથે ગાઢ સંબંધો ઇચ્છે છે. મીડિયા સાથે વાત કરવા માટે અધિકૃત ન હોય તેવા સૂત્રોએ જણાવ્યું હતું કે, મિલિબેન્ડ 17-19 માર્ચ દરમિયાન બીજિંગની મુલાકાતે જશે. બ્રિટિશ અધિકારીઓએ કહ્યું છે કે, તેઓ અગાઉની કન્ઝર્વેટિવ પાર્ટીની સરકારના ચીન સાથેના સંબંધો અંગેના ઘણા મુદ્દાને ફરીથી ચકાસવા ઇચ્છે છે. વિશેષમાં તો તેમાં રોજગાર સર્જન, પરમાણુ ઊર્જા પ્લાન્ટ જેવા મુદ્દાનો સમાવેશ થાય છે. બે સૂત્રોએ જણાવ્યું હતું કે, મિલિબેન્ડ 17 માર્ચે તેમના ચીનના ઊર્જા પ્રધાન વાંગ હોંગઝી સાથે બંને દેશોની ઊર્જા સંબંધિત ચર્ચા ફરીથી શરૂ કરે તેવી અપેક્ષા છે. તેઓ સ્વચ્છ અને સ્થિર ઊર્જાના અન્ય પ્રકારોમાં સહયોગ, તેમજ ઊર્જા સુરક્ષા પર મંત્રણા કરશે. અન્ય સૂત્રએ જણાવ્યું હતું કે, એ જ દિવસે, મિલિબેન્ડ એક રાઉન્ડ ટેબલ મીટિંગમાં બ્રિટનની નીતિઓને ચીનના રોકાણકારો સમક્ષ રજૂ કરશે.

LEAVE A REPLY