બિઝનેસીસને વધુ મદદ કરવા બેંકોને ચાન્સેલરનો આદેશ

0
1078

130,000 પૂછપરછમાંથી ફક્ત 1,000 લોકોની જ ઇમરજન્સી લોન મંજૂર થતા ચાન્સેલર ઋષિ સુનકે બેન્કોને વધુ વ્યવસાયોને ઇમરજન્સી લોન આપવાનો આદેશ આપ્યો છે. ઋષિ સુનકે ગઈકાલે રાત્રે જાહેરાત કરી હતી કે તેઓ લેન્ડર્સને £250,000 હેઠળની તમામ લોન માટે વ્યક્તિગત બાંયધરીની માંગણી પર પ્રતિબંધ લગાવી રહ્યા છે. કેટલીક બેંકોએ બીઝનેસીસના ડિરેક્ટરને તેમના ઘર અથવા બચતને ગીરવે મૂકવા એના વ્યાજનો દર 30ટકા સુધીનો રહેશે તેમ જણાવ્યું હતું.

કોરોનાવાયરસ બિઝનેસ ઇન્ટરપ્શન લોન સ્કીમ પણ ચાન્સેલર દ્વારા લાગુ કરવામાં આવી છે. જેનો લાભ મોટી કંપનીઓ લઈ શકે છે. વાર્ષિક £45 મિલિયન સુધીનુ વેચાણ ધરાવતી કંપનીઓને £5 મિલિયન સુધીની સરકાર સમર્થિત લોન અને £45 મિલિયનથી લઇને £500 મિલિયન સુધીનુ વાર્ષિક ટર્નઓવર ધરાવતી કંપનીઓને £25 મિલિયન સુધીની લોન આપવામાં આવશે. કોરોનાવાયરસથી પ્રભાવિત તમામ બિઝનેસીસ આને માટે પાત્ર બનશે.

ચાન્સેલર ઋષિ સુનકે કહ્યું હતુ કે ‘આ મુશ્કેલ સમયમાં બિઝનેસીસને તેમના કેશ ફ્લોનુ સંચાલન કરવામાં અમે ખૂબ જરૂરી મદદ પ્રદાન કરી રહ્યા છીએ, જેમાં દેશભરની સેંકડો કંપનીઓને કરોડો પાઉન્ડની લોન અને નાણાં પૂરા પાડવામાં આવશે.’’

બ્રિટિશ ચેમ્બર ઑફ કોમર્સના ડાયરેક્ટર જનરલ એડમ માર્શલે જણાવ્યું હતું કે “અમને આનંદ છે કે ચાન્સેલર યુકેના બિઝનેસીસની તાકીદે નાણાકીય સહાય મેળવવાના પ્રયાસોને સમજીને તેનો જવાબ આપી રહ્યા છે.”