બાળ લૈંગિક દુર્વ્યવહારના આરોપી ભૂતપૂર્વ લેબર પીઅર લોર્ડ અહેમદ વિરુદ્ધ કોર્ટ કાર્યવાહી અટકાવવાના નિર્ણયને કોર્ટ ઓફ અપીલ દ્વારા પલટાવી દેવાતા હવે લોર્ડ અહેમદ સામે ફરીથી ટ્રાયલ ચલાવવામાં આવશે.
64 વર્ષના લોર્ડ અહેમદ ઓફ રોધરહામ જેમનું અસલી નામ નઝીર અહેમદ છે તેમની સામે ફેબ્રુઆરી માસમાં 1970 ના દાયકાની શરૂઆતમાં એક નાના છોકરા અને છોકરી સાથે દુર્વ્યવહાર કરવા બદલ કેસ ચલાવાયો હતો જેમણે આરોપોનો ઇનકાર કર્યો હતો.
જજ જેરેમી રિચાર્ડસન ક્યુસીએ શેફિલ્ડ ક્રાઉન કોર્ટમાં સુનાવણી અટકાવી હતી અને કાર્યવાહીના દુરૂપયોગ તરીકે આ કેસ પર સ્ટે આપ્યો હતો. બુધવારે, અપીલ કોર્ટે જાહેરાત કરી હતી કે તેણે આ ચુકાદો પલટાવી દીધો છે.
લંડનમાં રૉયલ કોર્ટ્સ ઑફ જસ્ટિસ ખાતે એક ટૂંકી સુનાવણીમાં લોર્ડ જસ્ટિસ ફુલફોર્ડે કહ્યું હતું કે “હવે ક્રાઉન કોર્ટમાં આ કેસની ભાવિ તારીખે ફરીથી સુનાવણી કરવામાં આવશે. આ કેસની કાર્યવાહી જુદા જજ સમક્ષ ચાલુ રહેવી જરૂરી છે.”
નવેમ્બર 2020 માં હાઉસ ઑફ લોર્ડ્સમાંથી નિવૃત્ત થયેલા લોર્ડ અહેમદ પર 16 વર્ષથી ઓછી ઉંમરની કિશોરી પર બળાત્કારનો પ્રયાસ કરવાનો, 14 વર્ષથી ઓછી ઉંમરના તરૂણ પર અભદ્ર હુમલો કરવાનો અને 16 વર્ષથી ઓછી ઉંમરના તરૂણ પર બળાત્કાર કરવાનો આરોપ મૂકાયો હતો. જેમણે તે તમામ આરોપોને નકારી કાઢ્યા હતા.
તેના ભાઇઓ મોહમ્મદ ફારૂક અને મોહમ્મદ તારિક પર 14 વર્ષથી ઓછી ઉંમરના છોકરા પર અભદ્ર હુમલો કરવાનો આરોપ મૂકાયો હતો, પરંતુ તેઓને દલીલ કરવા માટે અયોગ્ય માનવામાં આવ્યા હતા અને અગાઉની ફોજદારી કાર્યવાહી દરમિયાન તથ્યોની સુનાવણીનો સામનો કરવો પડ્યો હતો.
ફોજદારી કાર્યવાહીને ફરીથી સ્થાપિત કરવાના અદાલતના નિર્ણયની ઘોષણા કરતા લોર્ડ જસ્ટિસ ફુલફોર્ડે જણાવ્યું હતું કે: “17 જૂન 2021 ના રોજ, કોર્ટ ઓફ અપીલ દ્વારા નઝીર અહેમદ, મોહમ્મદ તારિક અને મોહમ્મદ ફારૂક વિરુદ્ધ તા. 8 નવેમ્બર 2021ના રોજ જજ રિચાર્ડસન દ્વારા કરવામાં આવેલા આદેશને રદ કરવામાં આવે છે.”
ભારત વિરોધી લોર્ડ નઝીર પર અન્ય ગંભીર આરોપો
હાઉસ ઑફ લોર્ડ્સમાં 1998માં પીઅર તરીકે નિયુક્તિ પામનાર લોર્ડ નઝીર પ્રથમ મુસ્લિમ હતા. તેમનો જન્મ પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મિરમાં થયો હતો અને તેઓ બાળપણમાં યુકે આવ્યા હતા. નઝીર અહેમદ ભારત સરકારની નીતિઓ, ખાસ કરીને જમ્મુ-કાશ્મિરના સંદર્ભમાં ભારતના સખત ટીકાકાર રહ્યા છે અને ખાલિસ્તાની જૂથોના સમર્થક રહ્યા છે.
ભારતમાં લઘુમતીઓ સુરક્ષિત નથી તેવા દાવાને ઉજાગર કરવા 2018માં ભારતના પ્રજાસત્તાક દિવસ દરમિયાન નઝીર અહેમદે લંડનમાં ભારતીય હાઈ કમિશનની બહાર વિરાટ વિરોધ પ્રદર્શનનું આયોજન કર્યું હતું. જેમાં વિરોધને લઈને ઘર્ષણ ફાટી નીકળ્યું હતું અને તેમાં સ્વતંત્ર કાશ્મિર અને ખાલિસ્તાનની હાકલ કરવામાં આવી હતી.
નઝીર અહેમદે યુકેની સંસદના ઓલ પાર્ટી પાર્લામેન્ટરી કાશ્મિર ગૃપના વડા તરીકે પણ કામ કર્યું હતું, જે સંસ્થા “કાશ્મિરી લોકોના આત્મનિર્ભરતાના અધિકાર”નું સમર્થન કરે છે. કલમ 37૦ રદ થયા પછી, નઝીરે આક્ષેપ કર્યો હતો કે જમ્મુ-કાશ્મિરમાં ભારતનો હેતુ ભાજપ / આરએસએસના ઉગ્રવાદીઓને સ્થાયી કરવા માટે ડેમોગ્રાફીક ચેન્જીસ કરે છે.
નઝીર અહેમદને 2009માં અવિચારી ડ્રાઇવિંગ અકસ્માત માટે દોષી ઠેરવી જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા. નઝીરે તેની જેગ્વાર કાર ચલાવતી વખતે ટેક્સ્ટ સંદેશાઓ મોકલ્યા હતા અને એમ-વન મોટર વે પર સ્ટેશનરી કાર સાથે અથડાવી તેના ડ્રાઇવરનું નોત નિપજાવ્યું હતું. 2013માં, નાઝિરે અકસ્માતને “યહૂદી કાવતરું” ગણાવ્યું હતું. જે ટિપ્પણીને લીધે લેબર પાર્ટીએ તેમને સસ્પેન્ડ કર્યા હતા અને વર્ષના અંતે તેમણે પક્ષમાંથી રાજીનામું આપ્યું હતું.
2019માં, નઝીર અહેમદ પર “નિર્બળ મહિલાની સાથે સંભોગ કરી પોતાના હોદ્દાનો ફાયદો ઉઠાવ્યો હોવાનો આરોપ પણ કરાયો હતો. તેમની સહાય માંગવા ગયેલી મહિલાએ લોર્ડ અહમદના વર્તન વિશે લોર્ડ્સના કમિશનર ફોર સ્ટાન્ડર્ડ્સ સામે ફરિયાદ કરી હતી.