- કમલ રાવ
એકેડેમિક અચીવમેન્ટ્સ લિમિટેડના સ્થાપક દિવ્યા મિસ્ત્રી – પટેલ દ્વારા ગુજરાતીમાં લખેલ પ્રથમ બાળ પુસ્તક ‘મારી રંગ બે રંગી બિલાડી’ હાલમાં એમેઝોન પર વેચાઇ રહ્યું છે. ભાષાઓ પ્રત્યે શોખ અને આદર ધરાવતા દિવ્યા એટલે કે ડી’એ ખુદના બાળકોને ગુજરાતી ભાષાની ભેટ આપવાનું નક્કી કર્યું હતું. બાળકોને ભાષા આપવાનો તેમનો જુસ્સો આ પુસ્તકની પ્રેરણા છે.
દિવ્યાએ ‘ગરવી ગુજરાત’ને કહ્યું હતું કે, ‘’મને લાગે છે કે માતૃભાષાની ભેટ બાળકોને આપવી એ એક સામાજિક જવાબદારી છે. આ એક વૈશ્વિક મુદ્દો છે અને વિશ્વભરના મોટાભાગના પરિવારો સમાન મૂંઝવણનો સામનો કરી રહ્યા છે. લોકો હવે ઘરોમાં તેમની માતૃભાષા પૂરતા પ્રમાણમાં બોલતા નથી. હું માનું છું કે મારું પ્રથમ ગુજરાતી પુસ્તક, ‘મારી રંગ બે રંગી બિલાડી’ બાળકોને માતા-પિતા અને દાદા-દાદીને શબ્દોની શક્તિ દ્વારા જોડી દેશે. આ એક નવી શરૂઆત હશે. જો હવે આપણા દ્વારા કંઈ કરવામાં નહીં આવે, તો આપણી ભાષા ખોવાઈ જશે. આપણે બાળકોને પાંખો આપવામાં ખૂબ વ્યસ્ત છીએ, પણ, આપણે એ જોવું પડશે કે આપણે તેમને મૂળ આપવાનું પણ ન ભૂલીએ. તમે માતૃભાષા બોલવાના આત્મવિશ્વાસથી વધુ સારી કઈ ભેટ આપી શકો?’’
તેઓ ‘પેન્સીલ સ્પેસીસ’ સાથે સહયોગ કરીને ગુજરાતીને આધુનિક યુગમાં લાવવાનો પ્રયાસ કરી રહ્યાં છે અને ભાષા ક્ષેત્રના અગ્રણીઓ સાથે મળીને ગુજરાતી ભાષાના શિક્ષણમાં વધારો કરવા અને યુવાનોને શીખવામાં મદદ કરવા ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યાં છે. ડી માને છે કે બાળકોને આપણી સુંદર ભાષા શીખવામાં મદદ કરવા માટે ગુજરાતના ગામમાં લઇ જવાની જરૂર પડશે. માતા બન્યા પછી ડી બાળકોને વધુને વધુ જ્ઞાન આપવા માટે સમર્પિત થયા છે.
ડી’નું આ પુસ્તક બાળકો માટે ભાષાની શક્તિ વિશે વધુ જાગૃતિ લાવવા અને ભાષા પ્રત્યે સચેત રહેવા વિશે બધાને શિક્ષિત કરવાની સેવા આપશે. તેઓ હેશટેગ ‘#ગુજ્જુ બોલ’ નામનું સોશિયલ મીડિયા કેમ્પેઈન પણ શરૂ કરનાર છે.
દેશભરની વિવિધ શાળાઓમાંથી દસ વર્ષ કરતાં વધુ શિક્ષણનો અનુભવ ધરાવતા ડી દ્વારા એકેડેમિક અચીવમેન્ટ્સ લિ.ની સ્થાપના કરવામાં આવી છે. ડી વિવિધ એન્ટ્રન્સ એક્ઝામ બોર્ડ માટે ટ્યુટરિંગ પણ કરે છે. આ અગાઉ તેઓ ‘’ધ હાઉ ટૂ ગાઇડ ટૂ વર્બલ રીઝનીંગ 11 પ્લસ’’ નામનું પુસ્તક પ્રકાશીત કરી ચૂક્યા છે. જે માતા-પિતાને તેમના બાળકોને 11+ માટે મદદ કરવા તથા બાળકનો આત્મવિશ્વાસ વધારવામાં મદદ કરે છે. તેઓ KS3, KS4 અને KS5ના બાળકોને ઇંગ્લિશ શિખવવામાં મદદ કરે છે.
ડી’એ પુસ્તકની ઑડિયોબુકની લિંક માટે QR કોડ પણ જોડ્યા છે.
વધુ માહિતી માટે Email: [email protected]
Phone: 07349 296 624.