(Photo by Ben Hider/Getty Images for Concordia Summit)

બાંગ્લાદેશમાં આર્મી અને વિદ્યાર્થીઓ સંગઠનો વચ્ચે વધતાં જતા તણાવ વચ્ચે ફરી એક વાર તખ્તાપલટની અટકળોને વેગ મળ્યો છે. મિલિટરી સત્તા કબજે કરીને માર્શલ લો કે ઇમર્જન્સીની જાહેરાત કરે તેવી વ્યાપક અફવાઓ ચાલી રહી છે. ઢાકામાં બાંગ્લાદેશી સેનાની તૈનાતીમાં વધારાથી અફવાને વધુ હવા મળી રહી છે. જોકે આર્મી ચીફે આવી કોઇ હિલચાલને નકારી કાઢી હતી.

આર્મી તથા વહીવટીતંત્ર અને વિદ્યાર્થીઓ નેતાઓ વચ્ચે વધતા તણાવને પગલે આર્મી હવે મુહમ્મદ યુનુસની વચગાળાની સરકાર સામે કાર્યવાહી કરશે તેવી ચિંતામાં વધારો થયો છે. ઢાકામાં બાંગ્લાદેશી સેનાની તૈનાતીથી લશ્કરી બળવાની અફવાઓને વધુ વેગ મળ્યો છે. સાવર સ્થિત બાંગ્લાદેશી સેનાના 9મી ડિવિઝનના સૈનિકોને એકજૂથ કરવામાં આવ્યા છે અને સૈનિકો તબક્કાવાર ધોરણે રાજધાનીમાં પ્રવેશી રહ્યાં હોવાના અહેવાલ હતાં.

દેશના અગ્રણી મીડિયા હાઉસ નોર્થઈસ્ટ ન્યૂઝે સુરક્ષા સંસ્થાના સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું કે આર્મી ખાસ કરીને ઢાકામાં કિલ્લેબંધી કરવા માગે છે. જોકે આર્મી ચીફ જનરલ વકાર-ઉઝ-ઝમાને સોમવારે અફવાઓને ફગાવી દીધી હતી અને લોકોને ધીરજ રાખવાનો અનુરોધ કર્યો હતો. ઢાકા કેન્ટોનમેન્ટમાં ‘ઓફિસર્સ એડ્રેસમાં’માં દેશભરના વરિષ્ઠ સૈન્ય અધિકારીઓને સંબોધતા જનરલ વકારે સૈન્યના સમર્પણ, પ્રોફેશનાલિઝમ અને પ્રતિકારક્ષમતાની પ્રશંસા કરીને ભારપૂર્વક જણાવ્યું હતું કે ખોટી માહિતી ફેલાતી રોકવી જોઇએ. જનરલ વકારે કથળતી જતી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અને ઉશ્કેરણીજનક નિવેદનો અંગે ચિંતા વ્યક્ત કરી હતી. મિલિટરીએ ભૂતપૂર્વ વડાપ્રધાન શેખ હસીનાને પદભ્રષ્ટ કરવામાં અને યુનુસના નેતૃત્વમાં વચગાળાની સરકારની સ્થાપનામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.

તાજેતરના મહિનાઓમાં રાજકીય પક્ષો અને વિદ્યાર્થી સંગઠનોના વધતા જતાં વિરોધને કારણે તણાવ વધ્યો છે, જેના કારણે લશ્કરી વર્તુળોમાં બેચેની છે. લશ્કરના કેટલાક જૂથો અસંમતિ વ્યક્ત કરનારા અવાજોને દબાવી લેવાની માગણી કરી રહ્યાં છે. જોકે જનરલ વકારે ઉતાવળા પગલાં સામે ચેતવણી આપતા કહ્યું હતું કે આવા પગલાંથી દેશને અસ્થિર કરવા માંગતા લોકોને લાભ થશે.

શુક્રવારે એક વિદ્યાર્થી નેતાએ પ્રી-રેકોર્ડેડ વીડિયોમાં સેના પ્રમુખ પર વિસ્ફોટક આક્ષેપો કર્યા હતાં. વચગાળાની સરકારમાં સ્થાનિક સરકાર, ગ્રામીણ વિકાસ અને સહકારી મંત્રાલયના સલાહકાર તરીકે સેવા આપતા આસિફ મહમૂદ શોજીબ ભુઇયાએ દાવો કર્યો હતો કે જનરલ વકાર શરૂઆતમાં મુહમ્મદ યુનુસની મુખ્ય સલાહકાર તરીકે નિમણૂકને સમર્થન આપવા તૈયાર ન હતાં. અન્ય એક અગ્રણી વિદ્યાર્થી નેતા હસનત અબ્દુલ્લાએ તાજેતરમાં સેના વિરુદ્ધ જન આંદોલન શરૂ કરવાની ધમકી આપી હતી.

LEAVE A REPLY