બર્મિંગહામ સિટી સેન્ટરની આજુ બાજુમાં આવેલા ચાર સ્થળોએ રવિવાર તા. 6ની સવારે માત્ર 90 મિનિટના ગાળામાં છુરાબાજીમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું અને સાત અન્ય લોકો ઘાયલ થયા હતા. વેસ્ટ મિડલેન્ડ પોલીસે 27 વર્ષીય શંકાસ્પદ વ્યક્તિની શહેરના સેલી ઓક વિસ્તારમાંથી 7 તારીખે સવારે શંકાના આધારે ધરપકડ કરી હતી. તેની પર હત્યાના પ્રયાસના સાત કાઉન્ટનો ચાર્જ પણ કાશે.
છુરાબાજીમાં છરીના ઘા વાગતા મોતને ભેટેલા 23 વર્ષીય વ્યક્તિનું નામ જેકબ બિલિંગ્ટન હોવાનું અને તે મર્સિસાઇડના ક્રોસબી ખાતે રહેતો હોવાનું જણાયું છે. તેના પર રવિવારે વહેલી સવારે ઇરિવિંગ સ્ટ્રીટમાં હુમલો થયો હતો. ત્યારે તે શાળાના જૂના મિત્રો સાથે બહાર ફરવા ગયો હતો. તેમના જૂથમાંથી ઘાયલ થયેલો 23 વર્ષનો યુવાન ગંભીર હાલતમાં હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યો છે.
બિલિંગ્ટનના પરિવારે એક નિવેદનમાં કહ્યું હતું કે “જેકબ અમારા જીવનનો પ્રકાશ હતો અને અમે તેની હત્યાથી બરબાદ થઈ ગયા. તે રમુજી અને અદ્ભુત વ્યક્તિ હતો. આવા વિશેષ વ્યક્તિની ખોટ બધાને અનુભવી શકશે.’’
ફોરેન્સિક અધિકારીઓએ સેલી ઓકના કલ-ડી-સેકના એન્ડ ઓફ ટેરેસ મકાનની તલાશી લેતા જોવા મળ્યા હતા. પડોશીઓએ જણાવ્યું હતું કે, પોલીસે સવારે દરોડા પાડ્યા હતા.
બનાવને જોનાર રોબર્ટ મેક્લિઓડે કહ્યું હતું કે ‘’તેણે બે પુરુષો અને એક મહિલાને ચાલતા જોયા હતા. હુમલાખોરે તેમની છાતી અને ગળા પર છરીઓ મારવાનું શરૂ કર્યું હતું. સશસ્ત્ર પોલીસ આવતા તે ડેડ-એન્ડ શેરી તરફ ગયો હોવાનું જણાવ્યું હતું. પણ તેઓ તેને શોધી શક્યા નહતા.”
સેલી ઓકના રહેવાસી જ્હોન એસ્ટલીએ જણાવ્યું હતું કે “મને લાગે છે કે ત્યાં ત્રણ લોકો જુલાઇથી રહેતા હતા. પોલીસ કઇંઈ શોધ કરી રહી હતી.”
કન્સ્ટિટ્યુશન હિલ પર રવિવારે મધરાત્રે 12:30 વાગ્યે અધિકારીઓને પ્રથમ બોલાવવામાં આવ્યા હતા, જ્યાં એક વ્યક્તિને સુપરફિશિયલ ઇજા થઈ હતી. લગભગ 20 મિનિટ પછી સ્નો હિલ રેલ્વે સ્ટેશન નજીક લિવરી સ્ટ્રીટમાં બોલાવવામાં આવ્યા, જ્યાં 19 વર્ષિય વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો હતો અને એક મહિલાને પણ ઈજા થઈ હતી. 01:50 વાગ્યે પોલીસને ઇરિવિંગ સ્ટ્રીટ પર મોકલવામાં આવી હતી, જ્યાં એક 23 વર્ષીય વ્યક્તિને જીવલેણ ઇજાઓ પહોંચી હતી અને બીજો એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો હતો. દસ મિનિટ પછી, પોલીસને શહેરના ગે વિલેજમાં હર્સ્ટ સ્ટ્રીટ પર બોલાવવામાં આવ્યા, જ્યાં એક 32 વર્ષીય મહિલા ગંભીર રીતે ઘાયલ થઈ હતી અને બે પુરુષોને સામાન્ય ઈજા પહોંચી હતી.
હુમલાખોર યુવાને હર્સ્ટ સ્ટ્રીટ પર માઇકોનોસ બાર એન્ડ ગ્રીલ સામે સવારે લગભગ 2.20 કલાકે 32 વર્ષીય મહિલા પર હુમલો કરી ગળા પર વારંવાર ચાકુ મારી ઇજા કરી હતી. બારના માલીક માલિક સવ્વાસ સ્ફ્રાન્ટીઝિસે જણાવ્યું હતું કે “હુમલાખોર શ્યામ હતો, જેણે હૂડી અને બ્લેક કેપ પહેરી હતી તેમજ 20 થી 25 વર્ષની વયનો હતો. મને લાગ્યું કે તે લૂંટ કરે છે. તેણીએ ચીસો પાડી હતી અને પછી તે પેવમેન્ટ પર પડી ગઇ હતી. પરંતુ હુમલાખોરના ચહેરા પર જરા પણ ડર ન હતો અને ચાલ્યો ગયો હતો.”
40 વર્ષીય સહરાયા અહમદે જણાવ્યું હતું કે, હુમલાખોર યુવાને યુવકોના જૂથ પર હુમલો કરતા પહેલા સિગારેટ માટે લાઇટર માંગ્યું હતું અને પછી એક યુવાનને ગળા પર ઇજા કરી હતી.”
પોલીસ એક તબક્કે આ હુમલાઓને “રેન્ડમ” માનતી હતી. ચિફ સુપ્રિન્ટેન્ડન્ટ સ્ટીવ ગ્રેહામે કહ્યું હતું કે “આ ભયંકર ગુનાઓ માટે જવાબદારને શોધી કાઢવા અધિકારીઓએ ગઈકાલે અને આજે વહેલી સવારના પ્રારંભિક કલાકો સુધી કામ કર્યું હતું. અમે શંકાસ્પદ વ્યક્તિના સીસીટીવી ફૂટેજ જારી કર્યા હતા અને લોકોનો આકરો પ્રતિસાદ મળ્યો હતો. હું માહિતી પૂરી પાડનારા દરેક વ્યક્તિનો આભાર માનું છું. અમારી તપાસ ચાલુ છે. માહિતી પૂરી પાડવા માટે એક હોટલાઈન નંબર અને વેબસાઇટ ગોઠવવામાં આવી છે. તપાસ ચાલુ હોવાથી સોમવારે કેટલાક શેરીઓ બંધ રહી હતી.’’
બર્મિંગહામના સાંસદ શબાના મહમૂદે કહ્યું હતું કે તે “બીજા બધાની જેમ તે પણ સમાન ચિંતાઓ ધરાવે છે”.
વેસ્ટ મિડલેન્ડ્સના મેયર એન્ડી સ્ટ્રીટે બીબીસી રેડિયો 4ના ટુડે પ્રોગ્રામને જણાવ્યું હતું કે ‘’પોલીસનો જવાબ ખૂબ જ ધીમો હતો તે કહેવું યોગ્ય નથી. ત્યાં બે કલાકના સમયગાળા દરમિયાન શું બન્યું તે અંગે ઘણા બધા પ્રશ્નો છે. આ બનાવને આપણે એકતરફી રેન્ડમ ઘટના તરીકે જોવી પડશે. હું બહાદુર અને મહેનતુ પોલીસ, હોસ્પિટલ અને એમ્બ્યુલન્સ સ્ટાફનો પણ આભારી છું.”
સોમવારે સીટી સેન્ટરમાં પડોશી સ્ટેફર્ડશાયર અને વેસ્ટ મર્શિયા દળોના વધારાના અધિકારીઓ તૈનાત કરવામાં આવ્યા હતા.