ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે મંગળવાર, 26 નવેમ્બરે બંધારણ અપનાવવાની 75મી વર્ષગાંઠ નિમિત્તે ગાંધીનગરમાં પદયાત્રામાં ભાગ લીધો હતો અને બંધારણના ઘડવૈયા ડૉ. બી આર આંબેડકરને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
આ દિવસની ઉજવણી માટે રાજ્ય સરકારે ગાંધીનગરના સ્વર્ણિમ પાર્ક બગીચામાં એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું, જ્યાં ભૂપેન્દ્ર પટેલે ડૉ. આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ પ્રસંગે તમામ મહેમાનોએ બંધારણના આમુખ (પ્રસ્તાવના) વાંચી સંભળાવી હતી.
ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી, સામાજિક ન્યાય અને અધિકારીતા પ્રધાન ભાનુબેન બાબરિયા, કૃષિ પ્રધાન રાઘવજી પટેલ અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં. ભૂપેન્દ્ર પટેલે જાન્યુઆરી 2025માં નવી દિલ્હીમાં યોજાનારી કેન્દ્ર સરકારની પહેલ “વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગ” અંગેનું પોસ્ટર બહાર પાડ્યું હતું.
આ પ્રસંગે એક્સ પર એક પોસ્ટમાં મુખ્યપ્રધાને જણાવ્યું હતું કે ભારતના બંધારણમાં માનવજીવનના ઉચ્ચ મૂલ્યોની જાળવણી સાથે લોકતાંત્રિક રીતે રાષ્ટ્રનિર્માણનો પથ પ્રદર્શિત કરવામાં આવ્યો છે. દેશના જન-જન બંધારણના મૂલ્યોને સમજે અને આત્મસાત કરે તે અત્યંત જરૂરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં ‘બંધારણ દિવસ’ મનાવવાનો નિર્ણય કરીને આ દિશામાં પ્રેરક પહેલ કરી છે. આપણું બંધારણ “We the people” થી શરૂ થાય છે. સૌ ભારતીયો એક પરિવારની જેમ ભાઈચારાથી રહે અને રાષ્ટ્રના વિકાસમાં યોગદાન આપે તેવી વિભાવના તેમાં સમાયેલી છે.