ફ્રાન્સમાં કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો હોવા છતાં 27 સપ્ટેમ્બરથી ફ્રેન્ચ ઓપન ટુર્નામેન્ટ ચાલુ થશે. આ ટુર્નામેન્ટમાં દર્શકોને સ્ટેડિયમમાં આવવાની પરવાનગી મળશે. ટૂર્નામેન્ટના આયોજકોએ સોમવારે આ જાણકારી આપી. આયોજકોએગ્રાન્ડ સ્લેમ માટે આરોગ્યની માર્ગદર્શિકા પણ જારી કરી છે. તેનાથી ખેલાડીઓનો દર પાંચમા દિવસે કોરોના ટેસ્ટ થશે.
આ ટુર્નામેન્ટમાં પ્રથમ રાઉન્ડમાં હારનાર ખેલાડીઓની ઇનામની રકમ ગત વર્ષ કરતા 30% વધારે છે. હવે દરેક ખેલાડીને 71 હજાર ડોલર (52 લાખ રૂપિયા) મળશે. ટૂર્નામેન્ટ આ વર્ષે મેમાં રમાવવાની હતી, પરંતુ કોરોનાને કારણે 4 મહિના માટે સ્થગિત થઈ.
ફ્રેન્ચ ટેનિસ ફેડરેશનના અધ્યક્ષે જણાવ્યું હતું કે આ ટેનિસની મહામારી પછી પહેલી ટૂર્નામેન્ટ છે, જેમાં દર્શકોને પ્રવેશ મળશે. સરકારની માર્ગરેખા અનુસાર, પેરિસ જેવા શહેરોમાં કોઈ પણ પ્રકારના સ્પોર્ટ્સ, કલ્ચરલ ઇવેન્ટમાં 5 હજાર દર્શકો હાજર રહી શકશે. ફેડરેશને આ પ્રમાણે જ ફ્રેન્ચ ઓપન માટે પ્લાન તૈયાર કર્યો છે. ફેડરેશન સ્ટેડિયમની કેપેસિટીની 50-60% એટલે કે 20 હજાર દર્શકોને મંજૂરી આપવા માંગે છે. સ્ટેડિયમને ત્રણ ઝોનમાં વહેંચવામાં આવ્યું છે અને દર્શકોની બેઠક વ્યવસ્થા પણ એ રીતે જ કરાશે.