લંડનમાં હેરો વેસ્ટના સાંસદ અને યુકેના ડીપાર્ટમેન્ટ ઓફ બિઝનેસ એન્ડ ટ્રેડ (DBT)ના પાર્લામેન્ટરી અંડર-સેક્રેટરી ઓફ સ્ટેટ ગેરેથ થોમસે કોમન્સમાં જણાવ્યું હતું કે “ભારત સાથેના મહત્વપૂર્ણ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) વાટાઘાટો ફરીથી શરૂ કરવા માટે સેક્રેટરી ઓફ સ્ટેટ ફેબ્રુઆરીમાં દિલ્હી જશે. આર્થિક વિકાસને વેગ આપતું ડીલ મેળવવા માટે સરકારમાં આ વાટાઘાટોની તૈયારી માટે કામ ચાલી રહ્યું છે. 2035 સુધીમાં ભારત સાથે ચોથો સૌથી મોટો વૈશ્વિક આયાતકાર બનવાનો અંદાજ છે. જે સમગ્ર યુકેમાં બિઝનેસીસ માટે વધુ તકો પૂરી પાડી શકે છે અને વિકાસને વધુ અનલૉક કરી શકે છે.”
હાઉસ ઓફ કોમન્સમાં વિપક્ષી કન્ઝર્વેટિવ પાર્ટીના સાંસદ બોબ બ્લેકમેને લેબર સરકારને FTA વાટાઘાટો કરવા અને ભારતમાં સર્વિસ માર્કેટમાં પ્રવેશ સુનિશ્ચિત કરવા માટે લેવામાં આવતા પગલાં વિશે પૂછ્યું હતું.
થોમસે તેમના ટોરી સાથીદાર, બોબ બ્લેકમેનને FTA ના “ઉત્સાહી” સમર્થકો તરીકે ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે “જો આપણે કોઈ કરાર પર પહોંચી શકીએ તો તે યુકે માટે એક મહત્વપૂર્ણ ઇનામ છે. સ્ટેટ સેક્રટરી રેનોલ્ડ્સ અને મિનિસ્ટર ફોર ટ્રેડ પોલીસી અને ઇકોનોમિક સીક્યુરીટી ડગ્લાસ એલેક્ઝાન્ડર આ ડીલ કરવા માટે ખૂબ જ સખત મહેનત અને શક્ય તેટલું બધું કરવા માટે કટિબદ્ધ છે.”
ભારત અને યુકેએ જાન્યુઆરી 2022થી FTA માટે 14 રાઉન્ડ વાટાઘાટો કરી છે, જેનો ઉદ્દેશ્ય અંદાજિત £42 બિલિયન પ્રતિ વર્ષ દ્વિપક્ષીય વેપાર ભાગીદારીને નોંધપાત્ર રીતે વધારવાનો છે.
લેબર સાંસદ ડગ્લાસ મેકએલિસ્ટરે ભારતમાં વેસ્ટ ડનબાર્ટનશાયરના સ્કોટિશ શીખ મતદાર જગતાર સિંહ જોહલની આતંકવાદ સંબંધિત આરોપોમાં અટકાયતનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો.
ગેરેથ થોમસે જવાબ આપતાં કહ્યું હતું કે “અમે ભારત સરકારને આ કેસના ઉકેલમાં ઝડપી પ્રગતિ કરવા માટે પ્રોત્સાહિત કરવા માટે પ્રતિબદ્ધ છીએ.”
સ્ટાર્મર અને મોદીએ નવેમ્બર 2024માં બ્રાઝિલમાં G20 સમિટ દરમિયાન ચર્ચા બાદ સ્ટાર્મરે 2025ની શરૂઆતમાં FTA વાટાઘાટો ફરીથી શરૂ કરવાની યોજના જાહેર કરી હતી.
બુધવારે, યુકેના ચાન્સેલર રશેલ રીવ્સે ભારત સાથેના વેપાર કરારને સરકારના ઝડપી આર્થિક વિકાસ એજન્ડાના એક મહત્વપૂર્ણ પાસાં તરીકે ઉલ્લેખ કર્યો હતો.