
દર્શકોને ઘણી રાહ જોવડાવ્યા પછી આ ફિલ્મ તાજેતરમાં રિલીઝ થઇ ગઈ છે. અક્ષયકુમાર, આર માધવન અને અનન્યા પાંડે અભિનિત આ ફિલ્મની સ્ટોરી જલિયાંવાલા બાગ હત્યાકાંડની ઘટના આધારીત છે. આ ફિલ્મનું દિગ્દર્શન કરણસિંહ ત્યાગીએ કર્યું છે અને તેનું નિર્માણ કરણ જોહર દ્વારા કરવામાં આવ્યું છે.
આ ફિલ્મ પણ પીરિયોડિકલ છે, પરંતુ કોઈ રાજાની યશોગાથાને બદલે બ્રિટિશરોની ગુલામી અને તે સમયે લડાયેલા એક કાનૂની જંગના યૌદ્ધાની વાર્તા છે. 1919માં થયેલા જલિયાવાલા બાગની પુષ્ટભૂમિ પર બનેલી આ ફિલ્મમાં સી. શંકરન નાયર નામના વકીલની વાત છે. આ વકીલ કઈ રીતે બ્રિટિશરોને બાનમાં લે છે તે વાત ખૂબ જ ધારદાર રીતે ફિલ્મમાં દર્શાવવામાં આવ્યું છે. તેમાં હિન્દી મસાલા ફિલ્મ જેવું કંઈ ન હોવા છતાં તે દર્શકો જકડી રાખે છે. આ ફિલ્મ દર્શકોને દર્દનો અનુભવ કરાવશે અને સાથે આજ દિન સુધી જલિયાવાલા બાગ હત્યાકાંડ મુદ્દે બ્રિટિશરોએ માફી નથી માગી તે વાત પણ યાદ અપાવશે.
આ ફિલ્મને બોલીવૂડમાં ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. વિકી કૌશલે સોશિયલ મીડિયા પર ફિલ્મની ખૂબ પ્રશંસા કરી હતી. તેણે જણાવ્યું હતું કે, ‘એક અજાણી ગાથા ખૂબ જ હિંમત, પ્રામાણિકતા અને સંવેદના સાથે દર્શાવવામાં આવી છે.’ આ ફિલ્મ અંગે અક્ષયકુમારે ચાહકોને અપીલ કરીને કહ્યું હતું કે, “હું આ ફિલ્મ જોવા આવનારા બધાને હાથ જોડીને વિનંતી કરું છું કે જ્યારે તમે આ ફિલ્મ જોવા આવો છો, ત્યારે તેની શરૂઆત બિલકુલ ચૂકશો નહીં, જે સૌથી મહત્વપૂર્ણ છે. તેથી જે લોકો તેને જોવા આવે છે તેમણે મોડા ન આવવું જોઈએ અને ફિલ્મની પ્રથમ 10 મિનિટ જોવી જ જોઈએ.”
છાવા ફિલ્મને બાદ કરતા 2025માં અત્યાર સુધીમાં એક પણ સુપરહીટ ફિલ્મ આવી નથી. કંગના અને રામચરણ તો નિષ્ફળ થયા, પણ સલમાન ખાન પણ સિકંદર સાબિત થઈ શક્યો નહી. આ બધાની નિષ્ફળતા પાછળ એક જ કારણ હતું અને તે ફિલ્મની સ્ટોરી. સ્ટોરી મજબૂત હોય અને તેમાં સારા પર્ફોમન્સ અને ડિરેક્શનનું કોમ્બિનેશન થાય ત્યારે માત્ર જોવાલાયક નહીં પણ યાદ રાખવા લાયક ફિલ્મ બને છે અને કેસરી ચેપ્ટર-2 આવી જ ફિલ્મ છે.
