હિન્દી ફિલ્મઉદ્યોગને ગટર તરીકે ઓળખાવવા બદલ અભિનેત્રી કંગના રનૌત પર પીઢ અભિનેત્રી અને રાજ્યસભાના સાંસદ જય બચ્ચન બરાબરના અકળાયા છે. રાજ્યસભામાં બોલતાં શ્રીમતી જયા બચ્ચને કંગના રનૌતના નામનો ઉલ્લેખ કર્યા વિના જ પોતાનો પુણ્યપ્રકોપ ઠાલવતા કહ્યું હતું કે, જે લોકોએ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી પ્રતિષ્ઠા મેળવી છે, તેઓ જ હવે તેને ગટર ગણાવી રહ્યા છે. હું આનાથી બિલકુલ સહમત નથી. તેમણે સંસદમાં રજૂઆત કરતા જણાવ્યું કે સરકાર આવા લોકોને આ પ્રકારની ભાષાનો પ્રયોગ ના કરવા જણાવે. સમાજવાદી પાર્ટીના સાંસદ જયા બચ્ચને જણાવ્યું કે આવા લોકો જે થાળીમાં ખાય છે તેમાં જ થુંકે છે. તેમણે વધુમાં ઉમેર્યું કે મનોરંજન ઉદ્યોગ દૈનિક ધોરણે પ્રત્યક્ષ રીતે 5 લાખ લોકોને રોજગાર પુરો પાડે છે. હાલના સમયે અર્થતંત્રની સ્થિતિ અત્યંત કથળેલી છે, ત્યારે લોકોનું ધ્યાન બીજે દોરવા માટે અમને (બોલીવૂડ)ને સોશિયલ મીડિયા પર ટાર્ગેટ બનાવવામાં આવી રહ્યા છે.
જયા બચ્ચને કહ્યું કે, ફિલ્મ ઉદ્યોગમાં સૌથી વધુ ટેક્સ ભરતા હોય એવા કેટલાય લોકો છે. તેમ છતા ય તેમને હેરાન કરવામાં આવે છે. અમારી ઈન્ડસ્ટ્રીને અનેક વચનો આપવામાં આવે છે પરંતુ તે પૂરા નથી કરાતા. તેમણે જણાવ્યું કે સરકારે મનોરંજન ઉદ્યોગ સાથે ઊભા રહેવું જોઈએ કારણ કે આ ઉદ્યોગ દર વખતે સરકારની મદદ માટે આગળ આવે છે.