પ્રીતિ પટેલ પર હોમ ઑફિસમાં બુલીઇંગ કરવાનો આરોપ

0
983

હોમ ઑફિસમાં ઉચ્ચ સ્તરે ટકરાવ બાદ હોમ સેક્રેટરી પ્રીતિ પટેલે હોમ ઑફિસના સૌથી વરિષ્ઠ ધિકારી અને હોમ ઑફિસના વડા પદેથી સર ફિલિપ રત્નમને તેમના પદ પરથી હટાવવાની માંગ કરી છે. હોમ ઑફિસના સુત્રોએ આરોપ મૂક્યો છે કે હોમ સેક્રેટરી પ્રીતિ પટેલ મીટિંગમાં અધિકારીઓને ધમકાવી રહ્યા છે અને ગેરવ્યાજબી માંગણી કરી “ભયનું વાતાવરણ” ઉભુ કરી રહ્યા છે.

સર ફિલિપે કેબિનેટ ઑફિસમાં શ્રીમતી પટેલની વર્તણૂક અંગે ચિંતા વ્યક્ત કરી હોવાનુ માનવામાં આવે છે. જેને પગલે કેબિનેટ સેક્રેટરી સર માર્ક સેડવિલને દરમિયાનગીરી કરવી પડી છે. વ્હાઇટહોલ સુત્રોના જણાવ્યા મુજબ સ્થિતી ઉકળતા ચરૂ જેવી છે. જો કે હોમ ઑફિસના પ્રવક્તાએ કહ્યું હતુ કે કે શ્રીમતી પટેલ વિરુદ્ધ કોઈ “ઔપચારિક” ફરિયાદ નથી.

પ્રીતિ પટેલના સાથીઓએ આરોપને નકારી કાઢી ‘વર્ષ 2018માં વિન્ડરશ કૌભાંડ વખતે સર ફિલિપે પૂર્વ હોમ સેક્રેટરી એંબર રડને બળજબરીથી રાજીનામું આપવા દબાણ કર્યુ હોવાનો આરોપ મૂક્યો હતો. ગત સપ્તાહે એક વરિષ્ઠ અધિકારી શ્રીમતી પટેલ સાથેની બેઠક બાદ બીમાર થતા મામલો બહાર આવ્યો હતો. આજ રીતે એવો આરોપ મૂકાય છે કે ગત ઓક્ટોબરમાં મળેલી એક બેઠકમાં મેટ્રોપોલિટન પોલીસ કમિશનર ડેમ ક્રેસિડા ડિક ઉપસ્થિત હતા ત્યારે પટેલે આક્ષેપ કર્યો હતો કે વિરોધ પ્રદર્શન દરમિયાન સેન્ટ્રલ લંડનને બંધ કરાવવાના ઉગ્ર વિરોધને રોકવા માટે પોલીસ શા માટે બળનો ઉપયોગ કરી શકતી નથી. એક પૂર્વ અધિકારીએ જણાવ્યું હતું કે ફિલિપને ડિપાર્ટમેન્ટમાંથી હટાવવાની કોશિશમાં શ્રીમતી પટેલે નંબર 10ની લોબિઇંગમાં સફળતા મળી ન હતી.