બોલીવૂડ છોડીને હોલીવૂડમાં સ્થાયી થયેલી અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ અભિનેતા રિતિક રોશન અને તેના પિતા રાકેશ રોશનના દરેક કલાકારને તક આપવાના અભિગમની તાજેતરમાં પ્રશંસા કરી હતી. નેટફ્લિક્સ પર તાજેતરમાં ‘ધ રોશન્સ’ નામની ડોક્યુ સિરીઝ રિલીઝ થઈ છે. જેમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ઘણા લોકોએ રોશન પરિવાર વિશે વાતો કરી છે. તેમાં પ્રિયંકા ચોપરાએ કહ્યું હતું કે રાકેશ રોશન અને રિતિક રોશને તેઓ કઈ રીતે બહારના લોકોને તેમની ફિલ્મોમાં તક આપે છે અને નેપોટીઝમને મહત્વ નથી આપતા તે અંગે વાત કરી હતી.
પ્રિયંકાએ કહ્યું, “તેઓ એક લાંબી યાદી બનાવે છે, જેમાં તેઓ નવા લોકોને લાવે છે અને તેમના માટે તકો ઊભી કરે છે. જેથી તેમણે જે બનાવ્યું છે, તેનો લાભ એ લોકો એકલા ન લે અને બહારના લોકોને પણ મળે. તેમની આ બીજા માટે જગ્યા રાખવાની વિચારધારાને હું ખરેખર બિરદાવું છું.”
પ્રિયંકા ચોપરાએ ક્રિશ અને ક્રિશ 3માં તેમની સાથે કામ કર્યું હતું. જેમાં તેણે સુપરહિરો ક્રિશના રોલમાં રિતિક રોશન સાથે મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ બંને ફિલ્મોનું રાકેશ રોશનના ફિલ્મક્રાફ્ટ પ્રોડક્શન્સ દ્વારા નિર્માણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત પ્રિયંકાએ 2012માં રિતિક સાથે કરણ મલ્હોત્રા દિગ્દર્શિત ફિલ્મ અગ્નિપથમાં પણ કામ કર્યું હતું, જે કરણ જોહર દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી હતી.
અત્યારે આ મુદ્દો એટલા માટે ચર્ચામાં છે કારણ કે અગાઉ પ્રિયંકા એક પોડકાસ્ટમાં 2023માં બોલીવૂડમાં પ્રસરેલા નેપોટીઝમ પર વાત કરી હતી. ત્યારે તેણે કહ્યું હતું, “બોલીવૂડમાં એવા કલાકારો છે જેમની પેઢીઓની પેઢીઓ ફિલ્મોમાં આવ્યા કરે છે અને તેમને અનેક તકો મળ્યા કરે છે, સામે એવા લોકો પણ છે જે બહારથી આવે છે, તેમને ઓછી તક મળે છે. આ ચિંતાથી જ હું પ્રોડક્શનમાં આવી. કારણ કે છ ફિલ્મો ન ચાલી અને હું કોઈ નેપો બેબી નથી તો મને ચિંતા થઈ. બોલીવૂડની ફિલ્મોમાં મને એવો કોઈનો ટેકો મળ્યો નથી.”