પ્રિન્સ ચાર્લ્સે મંગળવાર તા. 18ના રોજ સેન્ટ્રલ ઇંગ્લેન્ડના વૉરીક યુનિવર્સિટીમાં યુરોપના સૌથી મોટા અને 150 મિલિયન પાઉન્ડના ખર્ચે નિર્મીત ટાટા મોટર્સના ‘જેગ્વાર લેન્ડ રોવર (જેએલઆર) નેશનલ ઓટોમોટિવ ઇનોવેશન સેન્ટર (એનએઆઈસી)નુ અનાવરણ કર્યુ હતુ. આ સેન્ટરમાં યુકે અને ભારતના 1,000 જેટલા વિદ્વાનો, સંશોધકો, એન્જીનીયરો અને ડિઝાઇનર્સ એડવાન્સ ઓટોમોટીવ રીસર્ચ અને ડેવલપમેન્ટ માટે કામ કરશે તથા ઇલેક્ટ્રિફાઇડ અને ઓટોનોમસ વાહનો સહિત પરવડી શકે તેવા ભાવિ વાહનો માટે વિવિધ પ્રોજેક્ટ બનાવશે. ટાટા મોટર્સ, જેગ્વાર લેન્ડરોવર અને વૉરીક મેન્યુફેક્ચરીંગ ગ્રુપ (ડબલ્યુએમજી) વચ્ચે આ માટે સહયોગ સાધવામાં આવ્યો છે.
“યુનાઇટેડ કિંગ્ડમના મધ્યમાં આવેલું આ કેન્દ્ર ઇન્ડસ્ટ્રી અને એકેડેમિયાના શ્રેષ્ઠ તથા તેજસ્વી લોકો સાથે મળીને આપણા સમાજની કેટલીક મુશ્કેલ સમસ્યાઓનો હલ લાવશે” એમ પ્રિન્સ ચાર્લ્સે જણાવ્યું હતું.
ટાટા જૂથના અધ્યક્ષ રતન ટાટાએ જણાવ્યું હતું કે, “આ સેન્ટર સમાજના ઘણા પ્રતિભાશાળી લોકો સાથે મળીને આપણા માટેના ગતિશીલતાના સૌથી મોટા પડકાર તેમજ ઓટોમોટિવ ઉદ્યોગના ભાવિને આકાર આપવા માટે મદદ કરશે.’’
જેએલઆરના સીઈઓ રાલ્ફ સ્પેથે જણાવ્યું હતું કે “જેગ્વાર અને લેન્ડ રોવર ખાતે અમે મોબીલીટી માટે વધુ સારી આવતીકાલનુ નિર્માણ કરવા પર વિશ્વાસ રાખીએ છીએ. જેમાં ઝીરો એમિશન્સ, ઝીરો કન્જેશન અને અકસ્માતો જ નહિ હોય. અમે તેને ‘ડેસ્ટિનેશન ઝીરો’ કહીએ છીએ અને આ સેન્ટર તે સ્તરે જઇએ તે માટે આપણને મદદ કરશે.”
સ્પેથે સમજાવ્યું હતું કે એન.આઈ.સી.માં, વિદ્વાનો, ઉત્પાદકો અને સપ્લાયર્સ સાથે મળીને સ્માર્ટ, સલામત પરિવહન માળખાના વિકાસ માટે કામ કરશે. જે ઓટોનોમસ વાહનો અને જાહેર પરિવહનને સહાય કરશે અને સ્માર્ટ-ચાર્જર્સ અને રિન્યુએબલ એનર્જી દ્વારા સંચાલિત ઝીરો એમિશન્સ કરતા વાહનોની રચના કરશે તેમ જ કચરો દૂર થાય તેવી શોધો કરશે.
એનએઆઈસી માટેનો વિચાર વોરીક મેન્યુફેક્ચરિંગ ગ્રુપના ભારતીય મૂળના સ્થાપક સ્વર્ગીય પ્રોફેસર લોર્ડ કુમાર ભટ્ટાચાર્ય દ્વારા મૂકવામાં આવ્યો હતો. જેનુ નામ લોર્ડ ભટ્ટાચાર્યના નામ પરથી અપાયુ છે. સંશોધન પ્રોજેક્ટ દ્વારા નવીનતા માટે પ્રેરણા મળે તે માટે ડિઝાઇનર્સ, સંશોધનકારો અને ઇજનેરો તૈયાર કરવા પાછળ પ્રોફેસર લોર્ડ ભટ્ટાચાર્યની દ્રષ્ટિ હતી.
33,000 ચોરસ મીટરના આ કેન્દ્રમાં સહયોગી વર્કસ્પેસ, કટીંગ એજ વર્કશોપ, લેબોરેટરીઝ, વર્ચ્યુઅલ એન્જિનિયરિંગ સ્યુટ અને અદ્યતન સુવિધાઓ શામેલ છે. એનએઆઈસીના સંકલિત અભિગમના ભાગરૂપે, ટાટા મોટર્સના પૂના ડિઝાઇન બેઝના ઇજનેરો યુકે આવશે અને બ્રિટનના સાથીદારો ભારતમાં કામ કરશે.