શિયા ઇસ્માઇલી મુસ્લિમોના 49મા વારસાગત ઇમામ – આધ્યાત્મિક નેતા, સખાવતી અને આગા ખાન ડેવલપમેન્ટ નેટવર્કના સ્થાપક અને અધ્યક્ષ, હિઝ હાઇનેસ પ્રિન્સ કરીમ અલ-હુસૈની આગા ખાન IV નું પોર્ટુગલના લિસ્બનમાં 88 વર્ષની વયે તેમના પરિવારજનોની હાજરીમાં શાંતિપૂર્ણ અવસાન થયું છે. તેમના પરિવારમાં ત્રણ પુત્રો, એક પુત્રી અને ઘણા પૌત્રો છે.
પ્રિન્સ કરીમ આગા ખાન ઇસ્લામ ધર્મના સ્થાપક પયગંબર મુહમ્મદની પુત્રી હઝરત બીબી ફાતિમા, અને પયગંબર સાહેબના પિતરાઈ ભાઈ અને જમાઈ, હઝરત અલીના સીધા વંશજ હતા.
આગા ખાનને જુલાઈ ૧૯૫૭માં બ્રિટનના રાણી એલિઝાબેથ દ્વારા નામદાર આગાખાનને “હિઝ હાઇનેસ” શીર્ષક આપવામાં આવ્યું હતું.
તેમનો જન્મ 13 ડિસેમ્બર 1936ના રોજ સ્વિટ્ઝર્લૅન્ડના જીનીવા નજીક ક્રુક્સ-ડી-જેન્થોડમાં થયો હતો. તેઓ પ્રિન્સ અલી ખાન અને જોન યાર્ડે-બુલરના સૌથી મોટા પુત્ર અને સ્વર્ગસ્થ સર સુલતાન મહંમદ શાહ આગા ખાન ત્રીજાના પૌત્ર અને ઇમામ તરીકેના અનુગામી હતા. તેમણે શરૂઆતનું જીવન કેન્યાના નૈરોબીમાં વિતાવ્યું હતું.
તેમના દાદાએ તેમના પોતાના પુત્ર, પ્રિન્સ અલી ખાનને ઉત્તરાધિકારી તરીકે પસંદ કરવાને બદલે પ્રિન્સ કરીમ આગા ખાન IVને 20 વર્ષની ઉંમરે પોતાના વારસદાર તરીકે નિયુક્ત કર્યા હતા. ત્યારે પ્રિન્સ કરીમ આગા ખાન IV હાર્વર્ડમાં અંડરગ્રેજ્યુએટનો અભ્યાસ કરતા હતા. તેમના દાદા માનતા હતા કે નેતૃત્વ “નવા યુગની વચ્ચે ઉછરેલા” યુવાન વ્યક્તિને મળવું જોઈએ.
સમગ્ર જીવન દરમિયાન, નામદાર આગા ખાન IV એ ભાર મૂક્યો હતો કે ઇસ્લામ એક વિચારશીલ, આધ્યાત્મિક ધર્મ છે જે કરુણા અને સહિષ્ણુતા શીખવે છે, અને માનવજાતના ગૌરવને જાળવી રાખે છે. વર્ષોથી, નામદાર આગા ખાને એક અગ્રણી સખાવતી અને ઉદ્યોગપતિ તરીકે ધાર્મિક નેતૃત્વને વૈશ્વિક વિકાસ કાર્યો સાથે સંતુલિત કર્યું હતું.
તેમણે જાતિ, લિંગ, વંશીયતા અથવા ધર્મને ધ્યાનમાં લીધા વિના, તેમના સમુદાય અને તેઓ જે દેશોમાં રહે છે ત્યાંના લોકોની જીવનશૈલી સુધારવા માટે પોતાનું જીવન સમર્પિત કર્યું હતું. તેમણે વિશ્વની સૌથી મોટી ખાનગી આંતરરાષ્ટ્રીય વિકાસ સંસ્થાઓમાંની એકની સ્થાપના કરી માર્ગદર્શન આપ્યું હતું. જે વિશ્વના કેટલાક સૌથી નાજુક અને અવિકસિત પ્રદેશોમાં સમુદાયોની સેવા કરે છે. તેમને વૈશ્વિક સ્તરે એક રાજનેતા અને શાંતિ અને માનવ પ્રગતિના રક્ષક તરીકે માન આપવામાં આવતું હતું.
આગા ખાન IV ને મુસ્લિમ સમાજો અને પશ્ચિમ વચ્ચેના સેતુ તરીકે વ્યાપકપણે ગણવામાં આવતા હતા. તેમણે રાજકીય બાબતોને બદલે વિકાસ પ્રોજેક્ટ્સ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. તેમનું આગા ખાન ડેવલપમેન્ટ નેટવર્ક 30થી વધુ દેશોમાં આરોગ્ય સંભાળ, આવાસ, શિક્ષણ અને ગ્રામીણ વિકાસ જેવા ક્ષેત્રોમાં કાર્યરત હતું. તેમનું હોસ્પિટલોનું નેટવર્ક બાંગ્લાદેશ, તાજિકિસ્તાન અને અફઘાનિસ્તાન સહિત મર્યાદિત આરોગ્યસંભાળ સુવિધા ધરાવતા પ્રદેશોમાં કાર્યરત છે, જ્યાં તેમણે આર્થિક વિકાસ પ્રયાસોને ભંડોળ પૂરું પાડ્યું હતું.
તેમણે 1964ના વિન્ટર ઓલિમ્પિક્સમાં સ્કીઅર તરીકે ઈરાનનું પ્રતિનિધિત્વ કર્યું હતું. આગા ખાન ઘણા વર્ષો સુધી ફ્રાન્સમાં રહ્યા અને પછી પોર્ટુગલ ગયા હતા. તેમના ડેવલપમેન્ટ નેટવર્કનું મુખ્ય મથક સ્વિટ્ઝર્લૅન્ડમાં છે.
કેનેડિયન વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ તેમને ખૂબ જ સારા મિત્ર ગણાવી અંજલિ આપતા કહ્યું હતું કે “તેઓ એક અસાધારણ દયાળુ વૈશ્વિક નેતા હતા અને દુનિયાભરના લોકો તેમની ખૂબ જ ખોટ અનુભવશે.”
તેમની વ્યક્તિગત સંપત્તિ અબજોમાં હોવાનો અંદાજ છે. ભારત, ઇસ્ટ આફ્રિકા, મધ્ય અને દક્ષિણ એશિયા અને મધ્ય પૂર્વમાં સમુદાયો ધરાવતા ઇસ્માઇલી સંપ્રદાયના લોકો પરંપરાગત રીતે તેમની આવકનો 12.5 ટકા સુધીનો હિસ્સો તેમને આપતા હતા.
૫૦મા ઇમામને નિયુક્ત કરવામાં આવ્યા છે, અને આગામી દિવસોમાં લિસ્બનમાં તેમના પરિવારજનો અને ધાર્મિક નેતાઓ સમક્ષ સ્વ. આગા ખાનના વસિયતનામાના વાંચન પછી તેની જાહેરાત કરવામાં આવશે. તેમને લિસ્બનમાં દફનાવવામાં આવશે અને તે અંગેની માહિતી ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.