પ્રિન્સેસ એનના પૂર્વ ડોગ ટ્રેનરે પત્નીની ગોળી મારી હત્યા કર્યા બાદ આત્મહત્યા કરી

0
881

પ્રિન્સેસ એનના પૂર્વ ડોગ ટ્રેનર જ્હોન ઝુરિકે તા. 22ને શનિવારે બોરીસ જ્હોન્સનની સમરસેટમાં આવેલી પારિવારીક એસ્ટેટ સ્થિત કોટેજ ખાતે એક મહિલા મિત્ર સાથે કોટેજમાં કેટલીક વસ્તુઓ લેવા આવેલી બેવફા પત્ની ડેબોરાહની ઇલીગલ શૉટગનમાંથી ગોળી મારી હત્યા કરી આત્મહત્યા કરી લીધી હતી. પેરામેડિક્સ ડેબીને બચાવવામાં અસમર્થ રહ્યા હતા.

જાતે ગોળી મારી આત્મહત્યા કરવાનો પ્રયાસ કરનાર જ્હોનને ગંભીર ઇજા સાથે એર એમ્બ્યુલન્સમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ તેમનુ તા. 27ની બપોરે સારવાર દરમિયાન મરણ થયુ હતુ. બોરીસ જ્હોન્સન આ એસ્ટેટમાં જ મોટા થયા હતા. શ્રીમતી ઝુરિકના અવસાન પછી, વડા પ્રધાનના પિતા અને પ્રિન્સેસ રોયલ બંનેએ  તેમને શ્રદ્ધાંજલિ આપી હતી.

67 વર્ષીય જ્હોન ઝુરીક અને 56 વર્ષની ડેબીએ 30 વર્ષ પહેલા લગ્ન કર્યા હતા. ડેબી ઝુરિક અને જ્હોન ઝુરિક જ્હોન્સન પરિવારની 500 એકરની મિલકતની બાજુમાં નેધરકોટ કોટેજ, વિન્સફોર્ડ, સમરસેટમાં રહેતા હતા. જે મિલકત તેમણે 2013માં 440,000 પાઉન્ડમાં જ્હોન્સનના પિતા સ્ટેનલી પાસેથી ખરીદી હતી.

પતિ સાથે ‘નિરાશ’ રહેતી ડેબીએ ક્રિસમસ પહેલા સંબંધ તોડીને આયર્લેન્ડના વેક્સફર્ડ વિસ્તારના શ્રીમંત ખેડૂત સાથે નવો સંબંધ શરૂ કર્યો હતો. પણ જ્હોન બ્રેક અપ થતા હતાશ થઇ ગયા હતા અને ડ્રીંક ડ્રાઇવિંગ બદલ આ વર્ષની શરૂઆતમાં તેમની ધરપકડ કરવામાં આવી હતી. જેને પગલે, એવન અને સમરસેટ પોલીસે તેમના તમામ લાઇસન્સવાળા હથિયારો કબજે કર્યા હતા.

જ્હોને સમાધાનની આશા રાખી હતી પણ પત્નીએ આયર્લેન્ડમાં નવો બોયફ્રેન્ડ મેળવી લીધો છે તેમ જાણતા તેમને દુ:ખ થયું હતું. ડેબીને કેન્સર માટે સારવાર આપવામાં આવી હતી.