વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે 18મા પ્રવાસી ભારતીય દિવસ 2025 સંમેલનમાં ચાર એક્ઝિબિશનનું ઉદ્ઘાટન કર્યું હતું. ‘વિશ્વરૂપ રામ’ નામના પ્રથમ પ્રદર્શનમાં રામાયણના સાર્વત્રિક વારસા પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો.બીજું પ્રદર્શન ટેક્નોલોજીમાં ભારતીય ડાયસ્પોરાના યોગદાન અને વિકસિત ભારતના વિઝન પર કેન્દ્રિત હતું. તેમાં સમગ્ર વિશ્વમાં ટેક્નોલોજીના વિકાસમાં NRIsના યોગદાનને દર્શાવાયું હતું.
ત્રીજા પ્રદર્શનમાં ગુજરાતના માંડવીથી ઓમાનના મસ્કતમાં સ્થળાંતર પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરીને ભારતીય ડાયસ્પોરાના પ્રસાર અને વિકાસ પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. તેમાં ઇન્ડિયન માઇગ્રન્ટ્સની પ્રવાસ અને અસર અંગેના દુર્લભ ઐતિહાસિક દસ્તાવેજો દર્શાવવામાં આવ્યા હતાં.
ચોથા પ્રદર્શનમાં ઓડિશાના સાંસ્કૃતિક વારસા પર ભાર મૂકતા રાજ્યની સમૃદ્ધ પરંપરાઓ, કલા અને હસ્તકલાની ઝલક દર્શાવવામાં આવી હતી. વડાપ્રધાને વિવિધ મંત્રાલયો તથા ઓડિશા, મહારાષ્ટ્ર, આંદામાન અને નિકોબાર ટાપુઓ, ગુજરાત અને અન્ય રાજ્ય સરકારોના પ્રમોશનલ સ્ટોલની પણ મુલાકાત લીધી હતી.