બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલયના મુખ્ય સંચાલિકા રાજયોગિની દાદી હ્રદયમોહિની ગુરુવારે દેવલોક પામ્યા હતા. 93 વર્ષની ઉંમરે તેમણે સવારે 10.30 કલાકે મુંબઈની ખાનગી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. રાજયોગિની દાદી હ્રદય મોહિનીજીનું સ્વાસ્થ્ય થોડા સમયથી ઠીક ન હતું.
રાજયોગિની દાદી હ્રદયમોહિની નિધન અંગે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ઉપરાષ્ટ્રપતિ વૈંકયા નાઇડુ સહિતના નેતાઓ દુઃખ અને શોકની લાગણી વ્યક્ત કરી હતી.
આ આધ્યાત્મિક સંગઠનના પ્રવકતાએ જણાવ્યું હતું કે મુંબઈની સૈફી હોસ્પિટલમાં તેમની 15 દિવસથી સારવાર ચાલતી હતી. તેમના નિધનના સમાચારથી ભારત સહિત 140 દેશોમાં રહેલા સેવા કેન્દ્રોમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી. આ સાથે જ બ્રહ્માકુમારીના આગામી કાર્યક્રમો સ્થગિત કરી દેવામાં આવ્યા હતા.
પ્રવક્તાએ જણાવ્યું હતું કે એક વર્ષ પહેલા ભૂતપૂર્વ મુખ્ય દાદી જાનકીના મોત પછી દાદી મોહિનીની મુખ્ય સંચાલિકા તરીકે નિમણુક કરવામાં આવી હતી.
તેમના પાર્થિવ દેહને બ્રહ્માકુમારીના આબુ રોડ પર આવેલા શાંતિવન લઈ જવામાં આવશે. 12 માર્ચે તેમના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે શાંતિવનમાં રાખવામાં આવશે અને 13 માર્ચે સવારે માઉન્ટ આબુના જ્ઞાન સરોવર એકેડમીમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
વડાપ્રધાન મોદીએ ટ્વીટર પર જણાવ્યું હતું કે રાજયોગિની દાદી હ્રદયમોહિનીને માનવીય દુઃખો દૂર કરવાના અને સમાજના સશક્તિકરણના અથાક પ્રયાસો માટે હંમેશા યાદ કરવામાં આવશે. તેમણે વિશ્વભરમાં બ્રહ્મા કુમારી પરિવારનો હકારાત્મક સંદેશ પહોંચાડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. તેમના નિધનથી દુઃખી છું. ઓમ શાંતિ.