પૂર્વ ચાન્સેલર સાજિદ જાવિદે કન્ઝર્વેટિવ્સને ઇસ્લામફોબિયા બાબતે પોતાનું ઘર ઠીક કરવા વિનંતી કરી છે. તેમણે પક્ષને ઇસ્લામોફોબિયા અને સ્વતંત્ર અહેવાલની ભલામણોનો “વિલંબ કર્યા વિના” અમલમાં મૂકવા અને અન્ય લોકો અનુસરણ કરે તે માટે “દાખલો બેસાડવા” હાકલ કરી હતી.
ભૂતપૂર્વ ઇક્વાલીટી એન્ડ હ્યુમન રાઇટ કમિશનર સ્વરણસિંઘની આગેવાની હેઠળની તપાસમાં જાણવા મળ્યું કે કન્ઝર્વેટિવ પાર્ટીમાં મુસ્લિમ વિરોધી ભાવના “સમસ્યા રહી છે”.
આ સમીક્ષા માટે બે વર્ષ પહેલા હાકલ કરનાર સાજિદ જાવિદે ધ ટાઇમ્સ માટે લખેલા એક લેખમાં જણાવ્યું હતું કે એકવાર તેમને ટોરી એસોસિએશનના અધ્યક્ષ દ્વારા કહેવામાં આવ્યું હતું કે તેઓ તે મતદારક્ષેત્રમાં ઉભા રહી શકશે નહીં, કારણ કે કેટલાક સભ્યોને એવું લાગતું નહોતું કે સ્થાનિક મતદારો મુસ્લિમ ઉમેદવારને મત આપશે. મુસ્લિમ વિરોધી ભાવના “નિશંકપણે એક સમસ્યા” હતી અને તે અહેવાલની ભલામણોને બિનશરતી સ્વીકારવાના બોરિસ જોન્સનના નિર્ણયને તેઓ આવકારે છે.
શ્રી સિંઘની તપાસમાં એક “વ્યાપક” દ્રષ્ટિ મળી કે ટૉરીઝને “મુસ્લિમ સમસ્યા” છે. બોરિસ જોન્સને બુરખામાં રહેતી મુસ્લિમ મહિલાઓને લેટરબોક્સીસ સાથે સરખાવતા લોકોમાં એવી છાપ પડી છે કે પક્ષ “મુસ્લિમ સમુદાયો પ્રત્યે સંવેદનશીલ નથી”. ઘણા ઇન્ટરવ્યુ કરનારે વિચાર્યું હતું કે જોન્સનની ટિપ્પણી “ભેદભાવપૂર્ણ” છે અને પક્ષના નેતૃત્વએ “યોગ્ય વર્તન અને ભાષા માટે એક સારું ઉદાહરણ બેસાડવું જોઈએ”. જો કે આ ટિપ્પણી અંગે જોન્સને તા. 25ના રોજ માફી માંગી હતી.
મુસ્લિમ સમુદાય નિરાશ
મુસ્લિમ કાઉન્સિલ ઑફ બ્રિટન અને મુસ્લિમ એન્ગેજમેન્ટ એન્ડ ડેવલપમેન્ટ સહિતના મુસ્લિમ સમુદાય જૂથોએ અહેવાલના તારણોથી નિરાશા વ્યક્ત કરી ઇક્વાલીટી એન્ડ હ્યુમનરાઇટ્સ કમિશનને (EHRC) તપાસ હાથ ધરી તેની કાનૂની સત્તાઓનો ઉપયોગ કરવા હાકલ કરી છે. EHRCએ જણાવ્યું હતું કે તે તારણોનું મૂલ્યાંકન કરશે અને યોગ્ય સમયે જવાબ આપશે.
મુસ્લિમ કાઉન્સિલ ઑફ બ્રિટને કહ્યું છે કે ટોરી સમીક્ષા ખૂબ આગળ વધતી નથી.
પક્ષમાં ઇસ્લામોફોબીયા વિશે અવાજ ઉઠાવનાર ભૂતપૂર્વ ટોરી અધ્યક્ષ અને કેબિનેટ પ્રધાન બેરોનેસ વારસીએ કહ્યું હતું કે ત્યા જાતિવાદનો મુદ્દો છે તે સ્પષ્ટ છે અને EHRC એ આમં સામેલ થવું જોઇએ તેવી માંગને સમર્થન આપ્યું હતું.
કન્ઝર્વેટિવ મુસ્લિમ ફોરમના સ્થાપક અને પ્રમુખ લોર્ડ શેખ સહિત અન્ય વરિષ્ઠ ટોરીઝ નેતાઓએ આ અહેવાલને આવકાર્યો છે.
ટોરી પાર્ટીના સહ અધ્યક્ષ એવા અમાન્ડા મિલિંગે આગામી છ સપ્તાહમાં પ્રકાશિત તમામ ભલામણોનો અમલ કરવાનું અને એક્શન પ્લાનનો પ્રારંભ કરવાનું વચન આપ્યું છે.