પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના જન્મશતાબ્દી મહોત્સવ પ્રસંગે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશેષ સંદેશ આપતા જણાવ્યું હતું કે સૌ પ્રથમ તો પુણ્યાત્મા પ્રમુખસ્વામી મહારાજની સૂક્ષ્મચેતનાને પ્રણામ પાઠવું છું. પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજની જન્મશતાબ્દી એ માનવજાત માટેના તેઓના કાર્યો અને યોગદાનને ભાવપૂર્વક યાદ કરવાનો પ્રસંગ છે. દુનિયામાં શાંતિ અને ભાઈચારાનું વાતાવરણ બને, ભગવાન સ્વામીનારાયણ સમગ્ર માનવજાતનું કલ્યાણ કરે એવી પ્રાર્થના,
મોદીએ જણાવ્યું હતું કે પ્રમુખસ્વામી મહારાજની જન્મશતાબ્દીના અવસરે અનેક સ્મરણો મારી આંખ સામે તરી આવે છે. તેમની કરુણામયી આંખો, શિશુસહજ હાસ્યથી સદા શોભતો ચહેરો અને તપોબળથી સમૃધ્ધ એવી સરળ- સહજ ભાષા સદૈવ યાદ આવે છે. મને યાદ છે ત્યાં સુધી મારી પ્રમુખસ્વામી મહારાજ સાથે પ્રથમ મુલાકાત એંશીના દાયકામાં અમદાવાદમાં થઈ હતી જ્યારે ભગવાન સ્વામિનારાયણની દ્વિશતાબ્દી નિમિત્તે ભવ્ય ઉજવણી થઈ રહી હતી. ત્યારે હું એક પ્રચ્છન્ન સામાજિક કાર્યકર્તા હતો. પ્રાસંગિક વાતચીતમાં પ્રમુખસ્વામી મહારાજે જણાવ્યું, “આપણા સમગ્ર જીવનનો અંતિમ ઉદ્દેશ્ય નિઃસ્વાર્થ સેવા છે અને આપણે જીવનના છેલ્લા શ્વાસ સુધી સેવા કરવી જોઈએ.” તે દિવસથી મારા મન:પટ પર તેમની અમિટ છાપ અંકિત થઈ છે.
પરમ ધાર્મિક અવસ્થાની સાથે સાથે તેમનું મન માતાના હૃદયની પેઠે લાગણીથી ભરપુર હતું, એક પ્રસંગ યાદ આવે છે. શ્રીનગરના લાલ ચોકમાં ‘એકતા યાત્રા’ ની પૂર્ણાહુતિ વખતે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યા પછીના તેઓના ફોન કૉલને હું ક્યારેય ભૂલી શકતો નથી.આ કેવળ ફોન નહિ, માવતરની જેમ વ્યક્ત થયેલી ચિંતા અને લાગણી હતા.એ સમયે બે લોકોએ મારી ક્ષેમ કુશળતા માટે ફોન કર્યો હતો – એક મારાં બા અને બીજા પ્રમુખસ્વામી મહારાજ.
આધ્યાત્મિકતાની સાથે સાથે આપદાના સમયમાં રાહત અને સેવાના કાર્યોમાં પણ તેઓ હંમેશાં અગ્રેસર હોય. ૨૦૦૧માં કચ્છમાં ભૂકંપ આવ્યો ત્યારે પ્રમુખસ્વામી મહારાજના રાહત પ્રયાસોનો હું સાક્ષી રહ્યો છું. વૈશ્વિક મહામારી કોવિડ સમયે સંસ્થાના સંતો, સ્વયંસેવકો અને હરિભક્તોએ જે જોખમો વચ્ચે વ્યાપક સ્તરે સેવાકાર્યો કર્યા એ સેવા પ્રણાલીના પ્રેરક પ્રમુખ સ્વામી મહારાજ હતા.
પ્રમુખસ્વામી મહારાજે સમાજના છેવાડાના વર્ગ સુધી સેવા કાર્યો અને સાંસ્કૃતિક સંદેશને પહોચાડવાનું કાર્ય કર્યું. વ્યસનમુક્તિ, શિક્ષણ પ્રસાર, આરોગ્ય સેવા જેવા સમાજ સુધાર કાર્યો દ્વારા વંચિત વર્ગના લોકોના જીવનને તેમણે નવી દિશા આપી,વિશ્વભરમાં માનવમૂલ્યો અને ભારતીય સંસ્કૃતિના તેઓ અગ્રીમ વાહક રહ્યા છે.