બોલીવૂડના પીઢ અભિનેતા સ્વ. મનોજકુમારનો પાર્થિવ દેહ શનિવારે પંચ મહાભૂતમાં વિલીન થઈ ગયો હતો. મનોજકુમારનું શુક્રવારે સવારે મુંબઇમાં નિધન થયું હતું. તેમણે 87 વર્ષની ઉંમરે શહેરની કોકિલાબેન હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. સંપૂર્ણ રાજકીય સન્માન સાથે મુંબઇનાં જુહુના પવનહંસ સ્મશાન ખાતે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. મનોજ કુમારનાં અંતિમ સંસ્કારમાં બોલીવુડના અનેક દિગ્ગજો સામેલ થયા હતા. જેમાં ફિલ્મ નિર્માતા સલીમ ખાન, તેમના પુત્ર અને અભિનેતા અરબાઝ ખાન, અમિતાભ બચ્ચન, તેમના પુત્ર અને અભિનેતા અભિષેક બચ્ચન, અભિનેતા રાજપાલ યાદવ, સંગીતકાર-ગાયક અનુ મલિક, અભિનેતા પ્રેમ ચોપરા, મહારાષ્ટ્રના પ્રધાન પ્રતાપ સરનાઈક વગેરેનો સમાવેશ થાય છે.
