કોરોના સંક્રમણને ફેલાતું અટકાવવા માટે ઉત્તર ગુજરાતના ચાણસ્મા શહેરના વેપારીઓએ 8 એપ્રિલથી 13 દિવસ સ્વયંભૂ બંધ પાડવાનો નિર્ણય લીધો હતો. ચાણસ્મા પાલિકા અને તમામ વેપારી એસોસિએશનો આ નિર્ણય લીધો હતો. અગાઉ પાટણ શહેરમાં કોરોના કેસના છેલ્લા ત્રણ દિવસથી રેકોર્ડ બ્રેક થતાં શહેરને સંક્રમિત થતા અટકાવવા માટે વેપારીઓ દ્વારા પાંચ દિવસ માટે સાંજે પાંચ વાગ્યાથી સવાર સુધી સ્વયંભૂ લોકડાઉન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
શહેરમાં 8 એપ્રિલથી 13 દિવસ શહેરની બજારો બપોરે 1 વાગ્યા પછી બંધ રાખવામાં આવશે. શહેરમાં મેડિકલ અને જરિરિયાતની સેવાઓ સિવાયની તમામ દુકાનો બપોરે 1 વાગ્યા પછી સ્વયંભૂ બંધ રાખવામાં આવશે. આવશ્યક વસ્તુઓ કે સેવાઓ સિવાયની દુકાનો ખુલ્લી રાખનારાને 1 હજારનો દંડ પણ કરવામાં આવશે.
અગાઉ પાટણ શહેરમાં પણ 7 એપ્રિલથી સ્વૈચ્છિક લોકડાઉનનો સર્વાનુમતે નિર્ણય કરાયો હતો. પાટણ જિલ્લા કલેક્ટર સુપ્રીતસિંઘ ગુલાટીના અધ્યક્ષસ્થાને વિવિધ વેપારી એસોસિયેશન અને રાજકીય સંગઠનોના હોદ્દેદારો, પાટણ નગરપાલિકાના કોર્પોરેટરો સાથે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સ્વૈચ્છિક લોકડાઉન અંગે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. જેમાં સાત એપ્રિલથી પાટણના તમામ વેપારીઓ સ્વૈચ્છિક રીતે પોતાના તમામ વેપારી-ધંધા બંધ રાખશે અને રવિવારના દિવસે સંપૂર્ણ બજારો બંધ રહેશે.