અમેરિકામાં ન્યૂ ઓર્લિયન્સમાં નવા વર્ષની ઉજવણી કરી રહેલા લોકો પર ટ્રક હુમલો કરીને 15 લોકોની હત્યા કરનારા હુમલાખોરની ઓળખ 42 વર્ષના શમસુદ્દીન જબ્બાર થઈ થઈ હતી. ટેક્સાસમાં રહેતા આ 42 વર્ષીય હુમલાખોરે અમેરિકાની આર્મીમાં સેવા આપી હતી. આ હત્યાકાંડને અંજામ આપ્યાના થોડા કલાકો પહેલા તેને સોશિયલ મીડિયામાં વીડિયો પોસ્ટ કરીને જણાવ્યું હતું કે તે આતંકી સંગઠન ઇસ્લામિક સ્ટેટ ગ્રુપથી પ્રેરિત હતો
એફબીઆઈએ જણાવ્યું હતું કે તે બુધવારના હુમલાની તપાસ આતંકવાદી કૃત્ય તરીકે કરી રહી છે અને માને છે કે કોઇ એક વ્યક્તિએ આ હુમલાને અંજામ આપ્યો ન હતો. તપાસકર્તાઓને પીક-અપ ટ્રકમાં બંદૂકો અને કથિત ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોસિવ ડિવાઇસ (IED) મળ્યું છે. આ પીક-અપ ટ્રક પર ઇસ્લામિક સ્ટેટ ગ્રુપનો ઝંડો હતો. શહેરના પ્રખ્યાત ફ્રેન્ચ ક્વાર્ટરમાંથી બીજી વિસ્ફોટક સામગ્રી પણ મળી હતી.
પ્રેસિડન્ટ જો બાઇડને બુધવારે સાંજે જણાવ્યું હતું કે એફબીઆઈને ડ્રાઈવરે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરેલા વીડિયો મળ્યા છે. બાઇડને આ હુમલાને ધિક્કારપાત્ર અને જઘન્ય કૃત્ય ગણાવ્યું હતું.
આ હુમલો હત્યાકાંડ સર્જવા માટે હથિયાર તરીકે વ્હિકલના ઉપયોગનો નવો ટ્રેન્ડ દર્શાવે છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં યુએસની ધરતી પર સૌથી ઘાતક IS પ્રેરિત હુમલો છે.
એફબીઆઈએ કહ્યું હતું હુમલાખોરને આતંકવાદી સંગઠનો સાથે કોઇ કનેક્શન છે કે નહીં તેની તપાસ ચાલુ છે. એફબીઆઈના આસિસ્ટન્ટ સ્પેશિયલ એજન્ટ ઇનચાર્જ એલેથિયા ડંકને એક ન્યૂઝ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે આ હુમલા માટે એકલો શમસુદ્દીન જબ્બાર જવાબદાર હોય તેવું લાગતું નથી. તપાસકર્તાઓને બહુવિધ ઇમ્પ્રુવાઇઝ્ડ વિસ્ફોટકો મળી આવ્યાં હતાં, જેમાં બે પાઇપ બોમ્બનો સમાવેશ થાય છે જે કૂલરની અંદર સંતાડવામાં આવ્યાં હતાં અને રિમોટ ડિટોનેશન સાથે જોડાયેલા હતાં.
ટ્રક હુમલા પછી જબ્બારે ફાયરિંગ પણ ચાલુ કર્યું હતું. પોલીસે કરેલા વળતા ગોળીબારમાં તે ઠાર થયો હતો. તપાસકર્તાઓએ હેન્ડગન અને એઆર-સ્ટાઈલ રાઈફલ મળી આવી હતી.જબ્બાર 2007માં આર્મીમાં જોડાયો હતો અને 2009થી 2010 દરમિયાન અફઘાનિસ્તાનમાં તૈનાત હતો. તેને 2015માં આર્મી રિઝર્વમાં ટ્રાન્સફર કરાયો હતો. 2020માં સ્ટાફ સાર્જન્ટના રેન્ક સાથે તેને આર્મી છોડી દીધી હતી.