વિશ્વભરમાં ફેલાયેલ કોરોના વાઇરસના રોગચાળાને કારણે સહુ ચિંતિત છે ત્યારે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા 29 માર્ચના રોજ ઉત્તર અમેરિકાના છ શિખરબદ્ધ મંદિરોમાં મહાપૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહાપૂજા દરેક વ્યક્તિ, સમાજ, દરેક ધર્મ, નાગરિકતા, સંપ્રદાયને આ મહામારીથી તાત્કાલિક બચાવવા તથા તેમના કલ્યાણ માટે યોજાઇ હતી.
જો કે, આ મંદિરોમાં દર મહિને નાના પાયે આ મહાપૂજાનું આયોજન કરવામાં આવે જ છે. રવિવારે યોજાયેલી આ મહાપૂજામાં વેબકાસ્ટથી સમગ્ર ઉત્તર અમેરિકામાંથી અંદાજે 12 હજારથી વધુ લોકો જોડાયા હતા. સહુએ તેમના ઘરની સલામતીમાં રહીને તમામ વિધિમાં ભાગ લીધો હતો. આ ઓનલાઇન કાર્યક્રમમાં કેવી રીતે ભાગ લેવો તે બાબતે હરિભક્તો અને શુભેચ્છકોને યોગ્ય સૂચના આપવામાં આવી હતી.
બીએપીએસ દ્વારા સહુને આ પૂજા માટે સામાજિક અંતર જાળવવાની માર્ગદર્શિકાનું પાલન કરવા જણાવાયું હતું. આ પૂજા માટે બહારથી કોઇપણ પ્રકારની સામગ્રી લેવા જવા માટે કહેવાયું નહોતું. સ્થાનિક સમય મુજબ સવારે પૂજ્ય સંતોએ પૂજાનો પ્રારંભ કરાવ્યો હતો. ‘વસુધૈવ કુટુમ્બક્મ’ ના સૂત્ર મુજબ આ રોગચાળા સામે સમગ્ર માનવજાતના કલ્યાણ માટે પ્રાર્થના કરવામાં આવી હતી. આ રોગચાળા સામે સાવચેતીના ભાગરૂપે બીએપીએસ દ્વારા તેના વિશ્વભરના મંદિરો સરકાર અને વિશેષજ્ઞોના માર્ગદર્શન મુજબ વહેલાસર બંધ કરવામાં આવ્યા હતા, જેથી શ્રદ્ધાળુઓ સલામત રહે.
ન્યૂજર્સીમાં રોબિન્સવિલેના સિદ્ધાર્થ દુબલે જણાવ્યું હતું કે, દર્શન કરવા, અન્ય હરિભક્તો તથા સંતોને મંદિરે નહીં મળી શકવાને કારણે, અને આરતી-મહાપૂજા નિયમિત નહીં કરી શકવાને કારણે મને ધાર્મિક જીવન અધુરું લાગતું હતું પરંતુ આ ઓનલાઇન પૂજાથી હું સંતોના ચહેરા જોઇને ખૂબ ખુશ થયો છું, જેમને હું નિયમિત મળતો હતો.
આટલાન્ટાના અન્ય શ્રદ્ધાળુ શીતલ દેસાઇએ જણાવ્યું હતું કે, અમે મંદિરમાં એકત્ર ન થઇ શક્યા પરંતુ અમારા વિસ્તારના અન્ય પરિવારો આ મહાપૂજામાં છે એ જાણ થતાં ભયાનક પરિસ્થિતિમાં અમે સહુ સાથે જ હોવાની લાગણી થઇ રહી છે. બીએપીએસ અને તેની સંલગ્ન સંસ્થાઓએ સોશિયલ મીડિયા દ્વારા આ કપરા સમયમાં સતત આધ્યાત્મિક માર્ગદર્શન આપ્યું છે. આ ઉપરાંત દેશભરમાં લોકોને અંગ્રેજી, હિન્દી અને ગુજરાતીમાં મહત્ત્વપૂર્ણ સૂચનાઓ પણ આપી છે.
બીએપીએસ ચેરિટીઝના સ્વયંસેવકોએ સ્થાનિક હોસ્પિટલ્સમાં અન્નદાન અને તેને પહોંચાડવાનું માનવતાનું કાર્ય કર્યું છે. બીએપીએસ મંદિરો આ કાર્યમાં સામેલ ડોકટર્સ, નર્સીઝ, પેરોમેડિક્સ, પબ્લિક સેફ્ટી ઓફિસર્સ વગેરેના કાર્યના બિરદાવીને સમર્થન આપે છે. આ તમામ છ મંદિરોમાં આરતી તથા અન્ય કાર્યક્રમોનું લાઇવ વેબકાસ્ટિંગ કરાય છે.