નેશનલ હેરાલ્ડ કેસમાં રૂ.988 કરોડના મની લોન્ડરિંગના આરોપ સાથે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ કોંગ્રેસના નેતાઓ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, સામ પિત્રોડા સહિતના નેતાઓ સામે ચાર્જશીટ દાખલ કરી છે. 9 એપ્રિલે દાખલ કરાયેલી આ ચાર્જશીટની નોંધ લઈને સ્પેશિયલ જજ વિશાલ ગોગને આગળની કાર્યવાહી 25 એપ્રિલ સુધી મુલતવી રાખી હતી.
સૂત્રોએ જણાવ્યું હતું કે અન્ય આરોપીઓમાં યંગ ઇન્ડિયન, ડોટેક્સ મર્ચેન્ડાઇઝ પ્રાઇવેટ લિમિટેડ અને સુનિલ ભંડારીનો સમાવેશ થાય છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે શનિવારે જણાવ્યું હતું કે તેને કોંગ્રેસ-નિયંત્રિત નેશનલ હેરાલ્ડ અખબાર અને એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડ (AJL) સાથે જોડાયેલી 661 કરોડ રૂપિયાની સ્થાવર સંપત્તિ જપ્ત કરવા માટે નોટિસ ફટકારી છે.
26 જૂન, 2014ના રોજ દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટના મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટે ભાજપ નેતા સુબ્રમણ્યમ સ્વામી દ્વારા દાખલ કરવામાં આવેલી ખાનગી ફરિયાદની નોંધ લીધા બાદ EDએ 2021 તપાસ ચાલુ કરી હતી. આ સમગ્ર મામલો એસોસિયેટ જર્નલની રૂ.2,000 કરોડની સંપત્તિના ગાંધી પરિવારે કરેલા કબજા સંબંધિત છે.
ચાર્જશીટ પર પ્રતિક્રિયા આપતા કોંગ્રેસના દિગ્ગજ નેતા જયરામ રમેશે કહ્યું હતું કે, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને કેટલાક અન્ય વિરૂદ્ધ ચાર્જશીટ દાખલ કરવી વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રીની બદલાની ભાવના અને ડરાવવાની રાજનીતિનું ઉદાહરણ છે.
