વિશ્વ શાંતિ, કૌટુંબિક સુમેળ અને દરેક માટે આગામી વર્ષ સલામત અને સફળ રહે તે માટે આશીર્વાદ મેળવવા નીસડન મંદિર ખાતે સોમવાર 1 જાન્યુઆરી 2024ના રોજ વિશેષ પ્રાર્થના યોજાઇ હતી. જેમાં તમામ વય અને પૃષ્ઠભૂમિના સત્સંગીઓ અને સમાજના સભ્યો તથા સેંકડો પરિવારો ઉપસ્થિત રહ્યાં હતાં.
આ પ્રસંગે પવિત્ર સમારોહમાં ભાગ લેવા સેંકડો લોકો મંદિરના પ્રાર્થના હોલમાં એકત્ર થયા હતા તો દેશભરમાં અને યુરોપમાંથી પરિવારો તેમના ઘરેથી લાઈવ વેબકાસ્ટ દ્વારા ઓનલાઈન જોડાયા હતા. આ પ્રસંગે સંતોએ શક્તિશાળી વૈદિક મંત્રોના જાપ સાથે મહાપૂજા કરી હતી.
BAPS સ્વામિનારાયણ સંસ્થાના યુકે અને યુરોપના વડા સંત યોગવિવેકદાસ સ્વામીએ કહ્યું હતું કે “નવું વર્ષ નવેસરથી વિશ્વાસ અને આશાવાદ લઈને આવે છે. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે આપણને સૌને સદ્ભાવના, એકતા અને સકારાત્મકતા કેળવવા પ્રેરણા આપી છે. અન્ય લોકો માટે પ્રાર્થના કરતા હજારો લોકો તેમના નવા વર્ષની શરૂઆત કરે તે જોવાનું હૃદયસ્પર્શી હતું. અમે પ્રાર્થના કરીએ છીએ કે મહાપૂજાના આશીર્વાદ અને સકારાત્મક ઉર્જા 2024 દરમિયાન અને તે પછી પણ આપણા વૈશ્વિક સમુદાય પર કાયમી અસર લાવે અને તે માટે ઉત્તેજન મળે.”