ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાના મામલે ભારત અને કેનેડાના સંબંધો સોમવાર, 14 ઓક્ટોબરેવધુ વણસ્યા હતાં. આ મુદ્દે બંને દેશોએ એકબીજાના છ રાજદ્વારીઓની હકાલપટ્ટી કરવાનો નિર્ણય કર્યો હતો.
નિજ્જર હત્યા કેસમાં કેનેડા સ્થિત ભારતીય હાઇકમિશનરનું કેનેડા સરકારે નામ જોડ્યા પછી ભારતે સોમવારે રાત્રે કેનેડા સામે આકરું વલણ અપનાવ્યું હતું અને તેના ભારત ખાતેના 6 રાજદ્વારીઓને હાંકી કાઢવાનો નિર્ણય કર્યો હતો. ભારતે કેનેડા ખાતેના ભારતના હાઇકમિશનર અને બીજા કેટલાંક રાજદ્વારીઓને પરત બોલાવી લેવાનો પણ નિર્ણય કર્યો હતો.
કેનેડાએ પણ પણ છ ભારતીય રાજદ્વારીઓને દેશ છોડવા આદેશ આપ્યો હતો અને જણાવ્યું હતું કે પોલીસે પુરાવા એકત્રિત કર્યા બાદ તેઓ ભારત સરકારના “હિંસા અભિયાન”નો ભાગ હતાં.
ભારતે હકાલપટ્ટી કરી છે તેમાં સ્ટુઅર્ટ રોસ વ્હીલર (કાર્યકારી હાઈ કમિશનર), પેટ્રિક હેબર્ટ (ડેપ્યુટી હાઈ કમિશનર), મેરી કેથરિન જોલી (ફર્સ્ટ સેક્રેટરી), લેન રોસ ડેવિડ ટ્રાઇટ્સ (ફર્સ્ટ સેક્રેટરી), એડમ જેમ્સ ચુઇપકા (ફર્સ્ટ સેક્રેટરી) અને પૌલા ઓર્જુએલા (ફર્સ્ટ સેક્રેટરી)નો સમાવેશ થાય છે. તેઓ 19 ઓક્ટોબર 2024ના રોજ રાત્રે 11:59 વાગ્યે અથવા તે પહેલાં ભારત છોડવાનો આદેશ અપાયો હતો.
સોમવારની સાંજે ભારત સરકારે કેનેડાના ચાર્જ ડી અફેર્સને સમન્સ કર્યા હતાં અને જણાવ્યું હતું કે “અમને ભારતીય હાઇકમિશનરની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે વર્તમાન કેનેડિયન સરકારની પ્રતિબદ્ધતામાં કોઈ વિશ્વાસ નથી.” ભારતના વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે ઉગ્રવાદ અને હિંસાના વાતાવરણમાં ટ્રુડો સરકારના પગલાં તેમની સુરક્ષાને જોખમમાં મૂકે છે. અમને તેમની સુરક્ષા સુનિશ્ચિત કરવાની વર્તમાન કેનેડિયન સરકારની પ્રતિબદ્ધતામાં કોઈ વિશ્વાસ નથી. તેથી ભારત સરકારે હાઈ કમિશનર અને બીજા ટાર્ગેટેડ રાજદ્વારીઓ અને અધિકારીઓને પાછા ખેંચવાનો નિર્ણય કર્યો છે.
અગાઉ કેનેડાએ જણાવ્યું હતું કે તે નિજ્જરની હત્યામાં “રુચિ ધરાવતા વ્યક્તિ” તરીકે ભારતીય હાઈ કમિશનરની તપાસ કરી રહ્યું છે. કેનેડાના આ નિવેદન પછી બંને દેશોના સંબંધો વધુ વણસ્યા હતાં.
વિદેશ મંત્રાલયને ગઈકાલે કેનેડા તરફથી એક રાજદ્વારી સંદેશાવ્યવહાર મળ્યો હતો, જેમાં સૂચવવામાં આવ્યું હતું કે ભારતીય હાઈ કમિશનર અને અન્ય રાજદ્વારીઓ તે દેશમાં તપાસ સંબંધિત મામલામાં ‘હિત ધરાવતા વ્યક્તિઓ’ છે. કેનેડા દ્વારા હાઈ કમિશનર સંજય કુમાર વર્મા પર લગાવવામાં આવેલા આક્ષેપો “હાસ્યાસ્પદ” છે.
વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે “હાઈ કમિશનર સંજય કુમાર વર્મા 36 વર્ષની વિશિષ્ટ કારકિર્દી સાથે ભારતના સૌથી વરિષ્ઠ સેવા આપતા રાજદ્વારી છે. તેઓ જાપાન અને સુદાનમાં રાજદૂત રહી ચૂક્યા છે, જ્યારે ઈટાલી, તુર્કિયે, વિયેતનામ અને ચીનમાં પણ સેવા આપી ચૂક્યા છે. કેનેડાની સરકારે તેમના પર કરેલા આક્ષેપો હાસ્યાસ્પદ છે.
સરકારે સોમવારે સાંજે કેનેડાના વરિષ્ઠ રાજદ્વારીને જાણ કરી હતી કે “કેનેડામાં ભારતીય હાઈ કમિશનર અને અન્ય રાજદ્વારીઓ અને અધિકારીઓને પાયાવિહોણા આક્ષેપ સાથે ટાર્ગેટ કરવા સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે”.એવું પણ જણાવવામાં આવ્યું હતું કે ભારત વિરુદ્ધ ઉગ્રવાદ, હિંસા અને અલગતાવાદ માટે ટ્રુડો સરકારના સમર્થનના જવાબમાં ભારત આગળ પગલાં લેવાનો અધિકાર અનામત રાખે છે.