નવી પોઇન્ટ બેઝ્ડ ઇમિગ્રેશન સિસ્ટમની જાહેરાત

0
1014

કામદારોના પ્રવાહ પર અંકુશ મેળવવા માટે દેશેને સાચા અર્થમાં જરૂરી અને વિશ્વભરના સર્વશ્રેષ્ઠ કૌશલ્ય ધરાવતા લોકોને આવકારવા તા. 1 જાન્યુઆરી, 2021થી નવી પોઇન્ટ બેઝ્ડ ઇમિગ્રેશન સિસ્ટમ લાગુ કરવાની સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે. નવી યોજના અંતર્ગત ઇયુ અને નોન-ઇયુ કામદારોનું મૂલ્યાંકન સમાન સિસ્ટમ દ્વારા કરવામાં આવશે અને દેશમાં પ્રવેશ માટે ઓછામાં ઓછા નિર્ધારીત 70 પોઇન્ટની જરૂર પડશે.

હોમ સેક્રેટરી પ્રીતિ પટેલે જણાવ્યુ હતુ કે ‘’2016નો બ્રેક્ઝિટ લોકમત અને 2019ની સામાન્ય ચૂંટણીના પરિણામોએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે જનતા ‘ઓછા કુશળ ઇમીગ્રેશનમાં ઘટાડો ઇચ્છે છે. ઉચ્ચ કુશળ લોકો જેમ કે વૈજ્ઞાનિકો નોકરીની ઑફર વિના પણ આવવા માટે સક્ષમ હશે પરંતુ ઓછા કુશળ લોકો યુકે આવી શકશે નહિ. દેશ 1973માં કોમન માર્કેટમાં જોડાયો ત્યાર પછી સૌ પ્રથમ વખત આટલો મોટો બદલાવ લાવવામાં આવ્યો છે. આજે અમે અમારી સરહદો પર ફરીથી નિયંત્રણ મેળવવા માટે ઐતિહાસિક બ્લુપ્રિન્ટ સેટ કર્યું છે જે લોકોની યોગ્ય માંગ છે.’’

આ સિસ્ટમ હેઠળ જેમનો વાર્ષિક પગાર ઓછામાં ઓછો 25,600 પાઉન્ડ હશે એવા લોકોને જ દેશમાં પ્રવેશવાની મંજૂરી અપાશે. પરંતુ જે ક્ષેત્રમાં કર્મચારીઓ મળતા જ નહિ હોય તેવા ક્ષેત્ર માટે પગાર નિર્ધારિત કરતા ઓછા હશે તો પણ ચલાવી લેવાશે. હોમ ઓફિસે માઇગ્રેશન એડવાઇઝરી કમિટીની (એમએસી) સલાહ માનીને કુશળ ઇમીગ્રન્ટનો ઓછો 25,600 પાઉન્ડ હોવો જોઇએ તેમ નક્કી કર્યુ છે.

બ્રિટનના વર્ક વિઝા માટેના ત્રણ ફરજિયાત માપદંડ જરૂરી હશે જે બદલ કુલ 50 પોઇન્ટ મળી શકશે. જેમાં માન્ય સ્પોન્સરર તરફથી નોકરીની ઑફર, આવશ્યક કૌશલ્યના સ્તર માટે જોબ ઑફર અને ઇંગ્લીશ બોલવાની ક્ષમતા જરૂરી છે. તે સિવાય શિક્ષણના સ્તર, જે તે શ્રેત્રમાં મળતા પગાર અને જે તે ક્ષેત્રમાં કામદારોની અછત છે કે કેમ તે આધારે વધારાના પોઇન્ટ્સ પ્રાપ્ત કરી શકાશે. તે સિવાય પણ વિવિધ યોગ્યતા મુજબ વધુ પોઇન્ટ મેળવી શકાશે.

કઇ યોગ્યતા માટે કેટલા પોઇન્ટ્સ મળશે

ફરજિયાત યોગ્યતા :

  • માન્ય સ્પોન્સરર તરફથી નોકરીની ઑફર 20 પોઇન્ટ્સ
  • આવશ્યક કૌશલ્ય ધરાવતી જોબ ઑફર 20 પોઇન્ટ્સ
  • ઇંગ્લીશ બોલવાની ક્ષમતા 10 પોઇન્ટ્સ

પગાર :

  • £25,600 કે તેથી કરતા વધારે પગાર 20 પોઇન્ટ્સ
  • £23040થી £25,599નો પગાર 10 પોઇન્ટ્સ
  • £20380થી £23039 જેટલો પગાર 00 પોઇન્ટ્સ
  • કર્મચારીની અછત હોય તેવા ક્ષેત્રમાં નોકરી 20 પોઇન્ટ્સ

શિક્ષણની લાયકાત :

  • જે તે જોબને અનુરૂપ વિષયનાં પીએચડી હોય તો 10 પોઇન્ટ્સ
  • સાયન્સ, ટેક્નોલોજી, એન્જીનીયરીંગ અને મેથ્સમાં પીએચડી હોય તો 20 પોઇન્ટ્સ

સરકારે પોલિસી પેપરમાં કહ્યું હતું કે આગળના માપદંડ સિસ્ટમ જેમ જેમ વિકસતી જશે તેમ જાહેર કરાશે. જેમ કે વય અથવા અનુભવના આધારે પણ અમુક પોઇન્ટ આપવામાં આવશે. માઇગ્રેશન એડવાઇઝરી કમિટી દ્વારા કયા વ્યવસાયમાં સ્ટાફની તંગી છે તે નક્કી કરવામાં આવશે અને તે વ્યવસાય માટે જરૂરી કર્મચારીઓને લાવવા માટે નિયમો હળવા કરાશે.

આ યોજનામાં હાલમાં યુકેમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પણ પોઇન્ટ્સ બેઝ્ડ સિસ્ટમ દ્વારા આવરી લેવામાં આવશે અને વૈજ્ઞાનિકો, સ્નાતકો, એનએચએસના કર્મચારીઓ અને કૃષિ ક્ષેત્રના લોકો માટે અલગ પહેલ કરવામાં આવશે.

બ્રિટન તેની બ્રેક્ઝિટ પછીની પોઇન્ટ બેઝ્ડ ઇમિગ્રેશન સીસ્ટમ દ્વારા વિશ્વભરના ઉચ્ચ કુશળ કામદારો માટે પ્રવેશને પ્રાધાન્ય આપશે અને “યુરોપથી સસ્તી મજૂરી”નો અંત લાવશે. આમ હવે બધા દેશો સમાન નિયમ હશે.  જોકે ઇયુ નાગરિકોને છ મહિના સુધી વિઝિટર તરીકે બ્રિટનમાં પ્રવેશવા માટે વિઝાની જરૂર રહેશે નહીં.

એમએસીએ અનુમાન લગાવ્યું છે કે સરકારના આ નવા નિયમો જો પહેલા લાગુ કરાયા હોત તો 2004થી યુકે આવેલા યુરોપિયન ઇકોનોમિક એરિયાના લગભગ 70% નાગરિકો વિઝા માટે પાત્ર બન્યા હોત નહિ. યુરોપિયન યુનિયનમાંથી મોટા પાયે દેશમાં ઇમિગ્રેશન થતા બ્રિટનના લોકોએ બ્રેક્ઝીટ માટે મત આપ્યો હતો.

આ કાયદો આવતા એમ્પલોયરે દેશના 1.3 મિલિયન બેરોજગાર લોકોમાંથી ભરતી કરવી પડશે અથવા તો હાલના સ્ટાફને જાળવી રાખવા વધુ વેતન ચૂકવવુ પડશે. જો કે, ઉદ્યોગના અગ્રણીઓએ ચેતવણી આપી હતી કે કેર સીસ્ટમ, ખેડુતો, બિલ્ડરો અને હોસ્પીટીલિટી સેક્ટર માટે નવા નિયમો ‘સંપૂર્ણ આપત્તિ’ લાવશે.

કેટલાક મહત્વના મુદ્દા

  • 31-12-20 સુધી બ્રિટનમાં રહેતા તમામ ઇયુ નાગરિકોને વર્તમાન નિયમો હેઠળ અહીં રહેવા અને કામ કરવાનો હક્ક
  • યુરોપિયનો સહિતના તમામ નવા ઇમીગ્રન્ટ્સને આવક-સંબંધિત લાભો નહિ મળે અને દરેકે વર્ષે £400 એનએચએસ ફી ચૂકવવી પડશે.
  • ઇયુના મુસાફરો તમામ પોર્ટ-એરપોર્ટ પર ઇ-ગેટ્સનો ઉપયોગ કરવા દેવા માંગ.
  • બધા ઇમીગ્રન્ટ એ-લેવલનુ સમકક્ષ ભણેલા જરૂરી.
  • બધા ઇમીગ્રન્ટ જીવનસાથી અને બાળકો લાવી શકશે.
  • કૃષિ ક્ષેત્રે લણણીના સમયે કામચલાઉ વિદેશી કામદારો લાવવાની મર્યાદા વર્ષે ચાર ગણી એટલે કે  10,000 કરાઇ.
  • નવી સિસ્ટમ હેઠળ એપ્લિકેશન ફી નક્કી કરાઇ નથી પરંતુ હાલમાં પાંચ વર્ષના વિઝાની ફી આશરે £1,200 છે.